હરિયાણાના ફરીદાબાદમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે. ફરીદાબાદ પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે એક ડૉક્ટર અને એક મૌલવીની ધરપકડ કરી છે. આરોપી ડૉક્ટરના ઠેકાણા પરથી મોટી માત્રામાં IED બનાવવાની સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
ફરીદાબાદ પોલીસ કમિશનર સતેન્દ્ર કુમારે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ‘આ હરિયાણા પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસનું એક સફળ સંયુક્ત ઓપરેશન છે. ડૉ. મુઝમ્મિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.’ આ ઉપરાંત કમિશનરે સ્પષ્ટતા કરી કે સ્થળ પરથી 360 કિલો જ્વલનશીલ સામગ્રી મળી આવી છે, જે સંભવતઃ એમોનિયમ નાઈટ્રેટ છે અને તે RDX નથી.
પોલીસ કમિશનર સતેન્દ્ર કુમારે જણાવ્યું કે, ‘મુઝમ્મિલ પાસેથી એક એસોલ્ટ રાઇફલ, ત્રણ મેગેઝિન અને 83 જીવંત કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આતંકી પ્રવૃત્તિઓમાં વપરાતી સામગ્રી, જેમાં 20 ટાઈમર અને બેટરી, એક પિસ્તોલ, બે ખાલી કારતુસ અને બે ફાજલ મેગેઝિનનો પણ સમાવેશ થાય છે. આરોપી ડૉક્ટર મુઝમ્મિલ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો. છેલ્લા 15 દિવસથી ચાલી રહેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.’
ધરપકડ કરાયેલા બીજા આરોપી એક મૌલવી છે, જેમને પોલીસ મસ્જિદમાંથી લઈ ગઈ હતી. ધરપકડ કરાયેલા મૌલવીની પત્નીએ જણાવ્યું કે, ‘પોલીસ ઇમામ સાહેબને લઈ ગયા છે. મને ખબર નથી કે તે તેમને કેમ લઈ ગયા. ઇમામ સાહેબ છેલ્લા 20 વર્ષથી મસ્જિદમાં સેવા આપી રહ્યા છે.આરોપી ડૉક્ટર મુઝમ્મિલ કાશ્મીરના રહેવાસી હતા અને દિવસમાં પાંચ વખત નમાઝ પઢવા માટે મસ્જિદમાં આવતા હતા.’
પોલીસ હવે બંને આરોપીઓનું આતંકવાદી સંગઠનો સાથેનું જોડાણ અને તેમના કાવતરાના ઉદ્દેશો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
