રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટા ખેલ પ્રોજેક્ટની યોજના બનાવવામાં આવી રહી છે. ખેલ મંત્રાલયના ટોપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને રમતગમત મંત્રાલય તેને કતાર અને ઓસ્ટ્રેલિયાના આધુનિક મોડેલના આધારે વિકસાવશે. આ પ્રોજેક્ટ 102 એકરમાં ફેલાયેલો હશે. રમતગમત મંત્રાલય તેને કતાર અને ઓસ્ટ્રેલિયાના આધુનિક મોડેલના આધારે વિકસાવશે.
આ નવા સ્પોર્ટ્સ સિટીના નિર્માણ માટે કતાર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક સ્પોર્ટ્સ મોડેલનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુરૂપ એક અત્યાધુનિક ખેલ માળખાકીય સુવિધા તૈયાર કરવાનો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ હાલમાં જે જમીન પર બન્યું છે તેને સંપૂર્ણ રીતે વિકસિત કરવામાં આવશે. નવી સ્પોર્ટ્સ સિટી 102 એકરમાં ફેલાયેલું હશે, જે તેને દેશની પ્રમુખ ખેલ સુવિધાઓમાંથી એક બનાવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ખેલ માટે સમર્પિત એક સંકલિત અને આધુનિક કેન્દ્ર સ્થાપિત કરવાનો છે.
નવી સ્પોર્ટ્સ સિટીને વિશ્વ કક્ષાનું બનાવવા માટે ખેલ મંત્રાલયની ટીમો કતાર અને ઓસ્ટ્રેલિયામાં રહેલા સફળ સ્પોર્ટ્સ મોડેલોનું ઝીણવટ પૂર્વક અભ્યાસ કરી રહી છે. આ ઈન્ટરનેશનલ મોડેલોમાંથી શીખ લઈને ડિઝાઈન અને સુવિધાઓને અંતિમ રૂપ આપવામાં આવશે.
જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને 1982ના એશિયન ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું અને બાદમાં 2010માં કોમનવેલ્થ ગેમ્સ માટે તેને રિનોવેટ કરવામાં આવ્યું હતું. તે લાંબા સમયથી ભારતના સૌથી પ્રખ્યાત મલ્ટી-સ્પોર્ટ્સ વેન્યૂમાંથી એક રહ્યું છે. લગભગ 60 હજાર લોકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં મોટા એથ્લેટિક્સ ઈવેન્ટ્સ, ફૂટબોલ મેચ, મોટા કોન્સર્ટ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી સહિત રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ સ્ટેડિયમ ઐતિહાસિક રીતે રાષ્ટ્રીય એથ્લેટિક્સ ટીમનું હોમ વેન્યુ રહ્યું છે અને ચાર દાયકાથી વધુ સમયથી ભારતના રમતગમત ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
આ જ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીના JLN સ્ટેડિયમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ માટે એક મોન્ડો ટ્રેક બિછાવવામાં આવ્યો હતો, જેનો ખર્ચ લગભગ 30 કરોડ રૂપિયા હતો.
