પૂર્વ કચ્છના મહાબંદર ધરાવતા કંડલા-ગાંધીધામ હાઇવે પર આજે ફરી એક વખત વાહન વ્યવહાર ખોરવાયો છે. કંડલાના હનુમાન મંદિરથી જૂના નકટી પુલ સુધી ચાલતા ડામર રોડના કામને કારણે માર્ગ એકતરફી બન્યો છે, જેના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. સવારના 10 વાગ્યાથી થયેલો ટ્રાફિકજામ હાલ બપોરના દોઢ વાગ્યા સુધી પણ યથાવત્ છે.
ગાંધીધામથી કંડલા આવતા વાહનો રોંગ સાઈડમાં ઘૂસી જતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. હાલ કંડલા ટ્રાફિક પોલીસ અને એસઆરડીના જવાનો દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિકોના મતે, યોગ્ય દિશા સૂચક બોર્ડના અભાવે વાહનો આવકના માર્ગે પણ ઘૂસી આવે છે, જેના કારણે સામસામે વાહનો આવી જવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
કંડલાના સ્થાનિક ચેતન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી જૂના નકટી પુલ પાસે ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આજે સવારના 10 વાગ્યાથી બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જૂના નકટી પૂલના નવ નિર્માણના કારણે માર્ગ ઉપર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, જેને લઈ એકતરફી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે. જોકે, યોગ્ય દિશા સૂચનના અભાવે વાહનો સામસામે આવી જાય છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવે છે.
ચેતન મહેશ્વરીએ સૂચવ્યું કે, આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વાહનોને સિંગલ માર્ગ પરથી એક બાદ એક જથ્થામાં પસાર કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત, માર્ગ નિર્માણ કાર્ય સ્થળે યોગ્ય દિશા સૂચક બોર્ડ પણ લગાવવાની તાતી જરૂર છે.
આ બાબતે કંડલા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ હનુમાન મંદિરથી જૂના નકટી પુલ ઉપર ડામર રોડનું કામ ચાલે છે, જેના કારણે ડબલ માર્ગ સિંગલ માર્ગમાં ફેરવાયો છે. તેમણે ઉમેર્યું કે, વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસી આવવાથી આ સમસ્યા સર્જાતી હોય છે. ટ્રક ચાલકોને વારંવાર સૂચના અને રોકવામાં આવતા હોવા છતાં તેઓ ઉતાવળ કરતા હોવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે. હાલ વાહન નિયંત્રણની કામગીરી ચાલુ છે અને વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.
