~ જીવનશૈલી સુધરાય તો ૩૫ ટકા કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય
~ યુવાનોમાં જંકફુડ તણાવ સ્થૂળતાને કારણે કેન્સરનું વધતું પ્રમાણ
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગ અંતર્ગત કાર્યરત ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ વર્ષે અંતિમ દસ માસમાં જુદા જુદા કેન્સરની લગભગ ૮૦ જેટલી શાસ્ત્રક્રિયા થઈ હોવાનું હોસ્પિટલના ઓન્કોલોજીસ્ટે જણાવ્યું હતું.
ઓન્કો. સર્જન ડો. હેત સોનીએ ૭મી નવે.રાષ્ટ્રીય કેન્સર ડે નિમિતે કહ્યું કે,સ્તન,ગાયનેક , યુરો ઓન્કો,ગેસ્ટ્રોઓન્કો,વિગેરે અનેક પ્રકારના ઓપરેશનનો આમાં સમાવેશ થાય છે.તેમણે કેન્સરના સામાન્ય લક્ષણો અંગે કહ્યું કે,કોઈ ઘાવમાં લાંબા સમય સુધી રૂઝ ન આવે,બીમારી વગર વજન ઘટે,શરીરમાં જ્યાં સખત ગાંઠ હોય તેનો વિકાસ થાય,પેશાબ અને મળમાં સતત ખૂન આવે,થાક લાગે,ભૂખ ઓછી થાય,બીમારી વિના સતત તાવ રહે,ખૂનની કમી થાય વિગેરે કેન્સર થવાના ચિહ્ન છે.
તેમણે કહ્યું કે આજે અનેક પ્રયત્નો વચ્ચે પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે.હૃદય રોગ પછી આ મોટી બીમારી છે.ભારતમાં દર વર્ષે ૭.૫ લાખ વ્યક્તિ મરણ પામે છે અને ૧૪ લાખ નવા ઉમેરાય છે.વૈજ્ઞાનિકોના મત મુજબ ૫થી ૧૦ ટકા જ આનુવાંશિક કેન્સર હોય છે,બાકી તો જીવનશૈલી સુધરાય તો ૩૫ ટકા કેન્સર નાથી શકાય છે.વળી દેશમાં ૮૦ ટકા દર્દીનો ઇલાજ ત્યારે શરૂ થાય જ્યારે કેન્સર ૩જા કે ચોથા ચરણમાં પહોંચે છે.
આજકાલ યુવાનોમાં કેન્સરનો ખતરો વધી રહ્યો છે. યુવાનો અને બાળકો ઘરનું બનાવેલું ખાવાને બદલે જંકફુડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. તેથી સ્થૂળતા આજે મોટી સમસ્યા બની ગઈ છે. વિવિધ સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધુ દેખાતું હોય છે. ભારતમાં પાંચમાંથી એક કેન્સરનો દર્દી ૪૯ થી ઓછી ઉંમરનો હોવાનું જણાયું છે.સ્થૂળતા ઉપરાંત તણાવ પણ કેન્સર માટે જવાબદાર પરિબળ તરીકે માનવામાં આવે છે.વાયુ પ્રદૂષણ પણ એક હિસ્સો છે.
શું કરવું અને શું ટાળવું એ અંગે તબીબે કહ્યું કે,ખાન પાનમાં ફાઇબર વાળી ચીજ વસ્તુ સામેલ કરવી, સુગર અને નમકનું પ્રમાણ ઓછું કરવું, ફળ અને શાકભાજીનું સેવન વધુ કરવું. ગ્રીન ટી, જાંબુ, બ્રોકોલી,ભોજનમાં સામેલ કરવામાં આવે તો ફાયદો થઈ શકે છે. એક વીકમાં ૧૫૦ મિનિટ કસરત, બ્રિસ્ક વોકિંગ, યોગ, પ્રાણાયામથી સ્થૂળતા ઘટી શકે છે. જેથી લોહીનું પરિભ્રમણ અને હોર્મોન સંતુલન થાય તો કેન્સર ઘટાડી શકાય છે.
રોજ બ રોજના જીવનમાં નાની નાની બાબતોનું ધ્યાન રખાય અને જાગૃત બની નિયમિત તપાસ કરાવાય તો પણ કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય.
