ફીલીપાઇન્સ સમુદ્રમાં અચાનક જાગેલાં ચક્રવાતી તોફાને વિનાશ વેરી નાખ્યો છે. કલાકના ૨૨૦ કી.મી.ની ઝડપે આવેલા આ તોફાનથી સરકાર પણ હેબતાઈ ગઈ છે. ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. અસંખ્ય વૃક્ષો અને વીજળીનાં થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. વીજ પુરવઠો બંધ કરાવી દીધો છે. ચારે તરફ તબાહીનું મંજર છે.
ફીલીપાઈન્સમાં મોસમ વિભાગ અનુસાર ૪ નવેમ્બરના દિને મોડી રાત પછી ત્રાટકેલા આ ચક્રવાતે અસંખ્ય ઘરોને પણ ભૂશાયી કરવા સાથે જળમગ્ન પણ કરી દીધાં છે. અનેક વિસ્તારો જળબંબાકાર છે. ચક્રવાતની સાથે આવેલા ભારેથી અતિ ભારે વરસાદને લીધે રાહત ટુકડીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ફીલીપાઇન્સ હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાંચ પોઈન્ટનું આ તોફાન મગાસા સવારે પાંચ વાગે સેબુ અને ઓસ્ટુરિયસ ટાપુઓ પર પહોંચ્યું હતું તે પછી તેની ઝડપ ઘટીને કલાકના ૧૪૦ કી.મી. જેટલી થઈ હતી છતાં તે ગતિ પણ અસામાન્ય હતી.
આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ તરફ જશે તેથી ૫-૬ નવેમ્બર સુધી તો નોર્ધન પલવાન અને પશ્ચિમ ફીલીપાઈન્સમાં તબાહી મચાવી દેશે પછી તે વિયેતનામ તરફ આગળ વધશે. ત્યાં અને પછી પૂર્વ થાઈલેન્ડ તે પહોંચતાં તે દેશોમાં પણ ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે.
ફીલીપાઈન્સમાં બચાવ ટુકડીઓ, સેના, પોલીસ હાઈ એલર્ટ પર મુકાઈ ગયાં છે. તબીબોની રજા રદ કરાઈ છે. હોસ્પિટલોમાં તૈયારીઓ કરાઈ ગઈ છે. જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે જાન-માલની નુકસાનીના આંકડા મળ્યા નથી તેટલું જાણવા મળ્યું છે કે દોઢ લાખથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
