ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) એન.વી.રમણાએ અમરાવતીમાં વીઆઈટી-એપી યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જગન મોહન રેડ્ડીની સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘સાંવિધાનિક સિદ્ધાંતોનું રક્ષણ કરનારા ન્યાયિક અધિકારીઓએ પણ દબાણ અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. જે ન્યાયાધીશોનો કોઈ રાજકીય કેસમાં હાથ નહોતો, તેમના પરિવારજનોને પણ રાજકીય સંગઠનોએ નિશાન બનાવ્યા હતા.’
એન.વી.રમણાએ કહ્યું કે, ‘તમે બધા જાણો છો કે મારા પરિવારને કેવી રીતે ટાર્ગેટ કરાયો અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા. આ બધું માત્ર મને દબાવવા માટે કરવામાં આવ્યું હતું. તે મુશ્કેલ સમયમાં જે લોકો ખેડૂતોના મુદ્દાના પક્ષમાં હતા, તેમને પણ ધમકાવાયા અને દબાવાયા હતા.’
પૂર્વ સીજેઆઈએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સરકાર વિરુદ્ધના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે સરકારે અમરાવતીને આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાનીના બદલે ત્રણ રાજધાની યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની, અમરાવતીને વિધાનસભા રાજધાની અને કુર્નૂલને ન્યાયિક રાજધાની બનાવાઈ હતી.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘જ્યારે ઘણા રાજકારણીઓ પોતાનું વલણ લેવામાં ખચકાતા હતા અથવા મૌન રહેતા હતા, તે સમયે આ દેશના ન્યાયવિદો, વકીલો અને અદાલતો મારા બંધારણીય વચન સાથે ઊભા રહ્યા. સરકારો બદલાતી રહે છે, પરંતુ ન્યાયાલય અને કાયદાનું શાસન સ્થિરતાનો આધાર બની રહે છે. કાયદાનું શાસન ત્યારે જ જીવંત રહે છે, જ્યારે લોકો જનતાનો ભરોસો જાળવી રાખે અને સુવિધા માટે ઈમાનદારી ન છોડે. હું સરકારની તાકાતનો સામનો કરનારા અમરાવતીના ખેડૂતોના સાહસને સલામ કરું છું. તેમના સંઘર્ષથી મને ખૂબ પ્રેરણા મળી છે. હું ન્યાયિક પ્રણાલી અને લોકતાંત્રિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા બદલ તેમનો આભાર માનું છું.’
