ICUથી બહાર આવ્યા બાદ શ્રેયસ અય્યરની પ્રથમ પ્રતિક્રિયા

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર શ્રેયસ અય્યર હાલમાં ગંભીર ઈજાનો સામનો કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ દરમિયાન તેને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેની સ્પ્લીન (બરોળ)માં કટ લાગ્યો અને આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) શરૂ થઈ ગયું હતું. સ્થિતિ બગડતાં, તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બાદમાં ICU માં ખસેડાયો હતો. હવે ઈજા થયા પછી, શ્રેયસનો ફેન્સના નામે પહેલો સંદેશ સામે આવ્યો છે, જે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો છે.

શ્રેયસે પોતાની તબિયત વિષે જાણકારી આપતા લખ્યું કે, ‘હું આ સમયે રિકવરી પ્રક્રિયામાં છું અને દરરોજ વધુ સારું અનુભવી રહ્યો છું. મને મળેલી તમામ શુભેચ્છાઓ અને સહયોગ માટે હું દિલથી આભારી છું. આ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. મારા માટે પ્રાર્થના કરવા બદલ આભાર.’ 

BCCIએ શ્રેયસ અય્યર વિષે સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘શ્રેયસ અય્યરને 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજાને કારણે સ્પ્લીનમાં કટ અને આંતરિક રક્તસ્રાવ થયો. જેની સારવાર કરીનેરક્તસ્રાવને નિયંત્રિત કરવામાં આવ્યો. તેની સ્થિતિ હવે સ્થિર છે અને તે ડોકટરોની દેખરેખ હેઠળ છે. 28 ઓક્ટોબરે ફરીથી કરવામાં આવેલા સ્કેનમાં સુધારો જોવા મળ્યો છે અને તેની ઝડપી રિકવરી થઈ રહી છે.’ BCCIએ એ પણ સ્પષ્ટ કર્યું કે મેડિકલ ટીમ સિડની અને ભારતના નિષ્ણાતો સાથે મળીને સતત શ્રેયસના સ્વાસ્થ્ય પર નજર રાખશે.

શ્રેયસ અય્યર વન-ડેમાં ટીમ ઇન્ડિયાના મધ્યક્રમનો મુખ્ય બેટર માનવામાં આવે છે. તેની ગેરહાજરી નિશ્ચિતરૂપે ટીમના સંતુલનને અસર કરશે. જોકે, રાહતની વાત એ છે કે તેની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે અને મેડિકલ ટીમને વિશ્વાસ છે કે તે જલદી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને વાપસી કરશે.

Leave a comment