વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા કેટલાક સકારાત્મક રાજકીય અને આર્થિક વલણોને કારણે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક સમયે સોનાના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયા હતા, તે ફરી આ સ્તરની નીચે જઈ શકે છે તેવો અંદાજ નિષ્ણાતો લગાવી રહ્યા છે. ત્યારે આ ચાર મુખ્ય પરિબળો પાછળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે. જ્યારે વૈશ્વિક તણાવ, યુદ્ધો અને અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો જોખમ ટાળવા માટે સોના તરફ વળે છે. જો કે, હાલમાં વિશ્વ શાંતિ અને વેપાર કરારો તરફ આગળ વધી રહ્યું હોવાથી, સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
અમેરિકા અને ચીન વચ્ચેનો સંભવિત ટ્રેડ ડીલ: વર્ષોથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રડે વોર, ટેરિફ અને સપ્લાય ચેઈન તણાવ વૈશ્વિક બજારોની અસ્થિરતાનું મુખ્ય કારણ હતું, જેના કારણે સોનાની માંગ વધી હતી. ચીન અમેરિકાને ટક્કર આપવા માટે તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું હતું. હવે બંને દેશો વચ્ચે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે, અને એક મોટો વેપાર કરાર નજીક છે. જો આ ડીલ થાય, તો રોકાણકારોનો વિશ્વાસ શેરબજાર અને ઉદ્યોગમાં પાછો આવશે. આ વેપાર ડીલના કારણે સોનાના ભાવ ઘટી શકે છે.
ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર કરાર: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો ગ્રાહક દેશ છે, તેથી અહીંના વેપાર સંબંધોની સોનાના ભાવ પર સીધી અસર પડશે. એક નવો વેપાર કરાર ભારતમાં વિદેશી રોકાણ આકર્ષિત કરશે અને ડોલર સામે રૂપિયાને મજબૂત કરશે. જ્યારે રૂપિયો મજબૂત થાય છે, ત્યારે ભારતમાં સોનું ખરીદવું આયાતને કારણે સસ્તું બને છે, ભલે આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે. આના પરિણામે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. મજબૂત રૂપિયો સોનાને 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે ધકેલવામાં બીજું મુખ્ય પરિબળ બનશે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામની શક્યતા: મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા ઈઝરાયલ અને હમાસના સંઘર્ષે વૈશ્વિક બજારોમાં ડર પેદા કર્યો હતો, જેના કારણે રોકાણકારોએ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે સોનું ખરીદ્યું હતું અને તેલના ભાવમાં પણ વધારો થયો હતો. અહેવાલો છે કે બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો આગળ વધી રહી છે, જેમાં ટ્રમ્પ પોતે આ પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યા છે. જો યુદ્ધવિરામ સાકાર થાય, તો વૈશ્વિક બજારો સ્થિર થશે અને ડરનું વાતાવરણ ઓછું થશે. રોકાણકારો તેમના ભંડોળને સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટ જેવા વધુ નફાકારક ક્ષેત્રોમાં સ્થાનાંતરિત કરશે, જે સોનાની માંગ અને ભાવમાં સ્વાભાવિક ઘટાડો લાવશે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપના: દક્ષિણ એશિયામાં અસ્થિરતાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો હંમેશા ચિંતિત રહે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કાયમી યુદ્ધવિરામથી આ ક્ષેત્રમાં આર્થિક સ્થિરતા અને વિશ્વાસ વધશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં રોકાણકારો જોખમ લેવા માટે વધુ તૈયાર હોય છે અને તે ફરી શેરબજારોમાં પાછા ફરે છે. જ્યારે રોકાણકારો સ્ટોક માર્કેટ તરફ વળે છે, ત્યારે સોનાની માંગ ઘટે છે. આનાથી સોનાના વૈશ્વિક ભાવ શાંત થઈ જશે.
આ ચારેય પરિબળો એકસાથે સોનાના ભાવ પર નીચે તરફનું દબાણ લાવી શકે છે, જેના કારણે રોકાણકારોને આગામી મહિનાઓમાં સોનાના ઊંચા ભાવમાંથી થોડી રાહત મળી શકે છે.
