~ સ્ટ્રોક હવે વડીલો જ નહીં યુવાનોને પણ ઝડપથી પ્રભાવિત કરે છે
અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ વિશ્વ સ્ટ્રોક દિવસ(૨૯ ઓકટો) નિમિત્તે કહ્યું કે, એક જમાનામાં બ્રેઇન સ્ટ્રોક વડીલોની સમસ્યા હતી, પરંતુ આજે બિન આરોગ્યપ્રદ ખાણીપીણી, સતત ટેન્શન, અને ખાસ કરીને અસ્પષ્ટ જીવનશૈલીને કારણે વૃધ્ધોની સાથે યુવાનોમાં પણ સ્ટ્રોકનું જોખમ વધ્યું છે.
ગેઈમ્સના મેડિસિન વિભાગ ના ડો. દેવિકા ભાટે સ્ટ્રોક, તેના લક્ષણો અને બચાવના ઉપાય અંગે જણાવ્યું કે, સ્ટ્રોક એ મગજની ગંભીર બીમારી છે. સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે મગજના એક ભાગમાં રક્તનો પ્રવાહ પહોંચતો નથી પરિણામે ઓક્સિજન પણ પહોંચી શકતું નથી જેથી લકવો અર્થાત્ પેરેલેસિસ થાય છે.
સ્ટ્રોકને કારણે બોલવાની સમસ્યા સર્જાય છે, એટલું જ નહીં ક્યારેક જીવલેણ પણ બની શકે છે. બોલવા ઉપરાંત ચહેરાનો એક ભાગ પણ આ અસરથી પ્રભાવિત થાય છે. એક હાથ સુન્ન થઈ જાય છે.ગંભીર શિરદર્દ,ચકકર અને સંતુલન ગુમાવવું વિગેરે જણાય તો દર્દીને તુરંત અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચતા કરવામાં જ શાણપણ છે.
મેડિસિન વિભાગના અન્ય તબીબો ડો. કશ્યપ બુચ અને ડો. યેશા ચૌહાણે આપેલી માહિતી મુજબ આ જોખમ જીવનશૈલીની જેમ આનુવંશિક પણ હોય છે. જોકે પારિવારિક ઇતિહાસ અને આનુવંશિક લક્ષણો બદલી નથી શકાતા, પરંતુ કેટલીક બાબતો વ્યક્તિના નિયંત્રણમાં હોય છે, જેમ કે હાઈ બી.પી ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, ધુમ્રપાન, આલ્કોહોલ, સ્થૂળતા, હૃદય રોગ. પણ જવાબદાર હોય છે.જેની તપાસ અને સારવાર કરાવી નિયંત્રિત કરી શકાય છે.
બ્રેઈન સ્ટ્રોકથી બચવું શકય છે:
સમયસરની જાગૃતિ અને ઉપચાર એજ સ્ટ્રોકથી બચવાનો ઉપચાર છે. એક સંશોધન અનુસાર ૭૫ ટકા લોકોને આ રીતે બ્રેઈન સ્ટ્રોકથી બચાવી શકાય છે.નિયમિત તપાસ અને જરૂર જણાયતો નિયમિત દવા લેવી.સંતુલિત આહાર જેમકે:ફળ,શાકભાજી,આખું અનાજ લેવું જ્યારે ખાંડ, નમક અને તળેલાં ખોરાકથી દૂર રહેવું,નિયમિત વ્યાયામ,ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું,વજન નિયંત્રણમાં રાખવું,ટેન્શનથી દૂર રહેવું અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવી.હૃદય સંબંધી રોગના લક્ષણો ઓળખી જો તે નિયંત્રણમાં રાખી શકાય તો દર્દીને બ્રેઇન સ્ટ્રોકથી બચાવી શકાય છે.
