બિહારમાં મહાગઠબંધને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેનું નામ ‘તેજસ્વી પ્રણ’ રખાયું છે. આ ચૂંટણી ઢંઢેરાના કવર ફોટો પર તેજસ્વી યાદવનો જ ફોટો છપાયો છે. જણાવી દઈએ કે તેજસ્વી યાદવ જ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી ચહેરો છે. મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવ, પવન ખેડા, દીપાંકર ભટ્ટાચાર્ય અને મુકેશ સહાની હાજર રહ્યા હતા.

આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે, ‘આપણા સૌ માટે આજે ખાસ દિવસ છે. અમારે માત્ર સરકાર નથી બનાવવી, અમારે બિહાર બનાવવું છે. આજે ખુબ જ ખુશીની વાત છે કે મહાગઠબંધનના તમામ લોકોએ બિહાર સમક્ષ બિહારનું સંકલ્પ પત્ર રાખ્યું છે. પોતાના પ્રણને જો પ્રાણની આહૂતિ આપીને પૂરા કરવા પડે તો કરીશું.’

કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, ‘મહાગઠબંધને સૌથી પહેલા પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી. અમે પોતાના ચૂંટણી ઢંઢેરાને સૌથી પહેલા જાહેર કર્યો. તેનાથી ખબર પડે છે કે બિહારને લઈને કોણ ગંભીર છે. અમે પહેલા દિવસે જ નક્કી કરી લીધું હતું કે અમે બિહાર માટે શું કરીશું. આપણે બિહારને પાટા પર લાવવાનું છે. આજનો દિવસ ખુબ જ શુભ છે કારણ કે બિહાર રાજ્ય આ ‘પ્રણ’ની રાહ જોઈ રહ્યું હતું.’

આ દરમિયાન VIP પ્રમુખ અને મહાગઠબંધનના નાયબ મુખ્યમંત્રી ચહેરા મુકેશ સહાનીએ કહ્યું કે, ‘આજે આપણે એક નવા બિહાર માટે સંકલ્પ પત્ર લોન્ચ કર્યું છે. આગામી 30-35 વર્ષ સુધી અમે બિહારના લોકોની સેવા માટે કામ કરીશું. અમે જનતાની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરીશું. અમે જનતાને કરેલા તમામ વચનો પૂર્ણ કરીશું. રાજ્યની જનતા મહાગઠબંધનના સમર્થનમાં ઉભી છે અને અમે બિહારમાં સરકાર બનાવી રહ્યા છીએ. બીજી તરફ NDA બાસે કોઈ સંકલ્પ નથી.’

મેનિફેસ્ટોના 20 પોઇન્ટ :

1). સરકાર બનતાની સાથે જ 20 દિવસની અંદર પ્રદેશના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ માટે 20 દિવસની અંદર કાયદો બનાવવામાં આવશે.

2). તમામ જીવિકા દીદીઓને કાયમી કરવામાં આવશે અને તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવશે. તેમનો પગાર ₹30,000 દર મહિને નક્કી કરવામાં આવશે. તેમના દ્વારા લેવાયેલી લોન પરનું વ્યાજ માફ કરવામાં આવશે. આ ઉપરાંત, તમામ કરાર આધારિત કર્મચારીઓ અને આઉટસોર્સિંગ પર કાર્યરત કર્મચારીઓને કાયમી કરવામાં આવશે.

3). આઈટી પાર્ક, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ડેરી-આધારિત ઉદ્યોગો, કૃષિ-આધારિત ઉદ્યોગો, આરોગ્ય સેવા, કૃષિ ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, નવીનીકરણીય ઊર્જા, લોજિસ્ટિક્સ, ઉત્પાદન અને પર્યટનના ક્ષેત્રોમાં કૌશલ્ય-આધારિત રોજગારનું સર્જન કરવામાં આવશે. પ્રદેશમાં 2000 એકરમાં એજ્યુકેશનલ સિટી, ઇન્ડસ્ટ્રી ક્લસ્ટર્સ, 5 નવા એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે.

4). જૂની પેન્શન યોજના (OPS Scheme) લાગુ કરવામાં આવશે. સામાજિક સુરક્ષા પેન્શન હેઠળ વિધવા અને વૃદ્ધોને ₹1,500 માસિક પેન્શન આપવામાં આવશે. દર વર્ષે ₹200 નો વધારો પણ થશે. દિવ્યાંગ જનોને ₹3,000 માસિક પેન્શન આપવામાં આવશે.

5). માઈ-બહેન માન યોજના હેઠળ મહિલાઓને 1 ડિસેમ્બરથી દર મહિને ₹2,500 ની આર્થિક સહાય આપવામાં આવશે.

6). BETI અને MAI યોજનાઓ લાવવામાં આવશે, જેનાથી દીકરીઓ માટે “બેનિફિટ”, ‘એજ્યુકેશન’, ‘ટ્રેનિંગ’ અને ‘ઇન્કમ’ ની વ્યવસ્થા થશે. માતાઓ માટે “મકાન”, “અન્ન” અને ‘ઇન્કમ’ ની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

7). દરેક પરિવારને 200 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.

8). માઇક્રોફાઇનાન્સ કંપનીઓ દ્વારા હપ્તાની વસૂલાત દરમિયાન મહિલાઓની સતામણીને રોકવા અને મનસ્વી વ્યાજ દરો પર નિયંત્રણ માટે નિયમનકારી કાયદો બનાવવામાં આવશે.

9). સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફોર્મ અને પરીક્ષા શુલ્ક સમાપ્ત કરવામાં આવશે અને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા-જવા માટે મફત મુસાફરી સુવિધા પ્રદાન કરવામાં આવશે. પેપર લીક અને પરીક્ષા-અનિયમિતતાઓને રોકવા માટે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. રોજગારમાં બિહારના નિવાસીઓની પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા માટે સુસંગત ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવશે.

10). દરેક પેટા વિભાગમાં મહિલા કોલેજની સ્થાપના કરવામાં આવશે અને જે 136 બ્લોક્સમાં ડિગ્રી કોલેજ નથી, તે બ્લોક્સમાં ડિગ્રી કોલેજો ખોલવામાં આવશે.

11). શિક્ષકો, આરોગ્યકર્મીઓ સહિત અન્ય સેવાઓના કર્મચારીઓના ગૃહ જિલ્લાના 70 કિલોમીટરના વિસ્તારમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત કાયદો બનાવવામાં આવશે.

12). રાજ્યની તમામ નાણાં વગરની સંલગ્ન કોલેજો ને નાણાં સહિતની કોલેજોની માન્યતા આપીને પ્રોફેસરો અને અન્ય કર્મચારીઓને સરકારી નાણાં સહિતની કોલેજોના સમાન પગાર અને ભથ્થું પ્રદાન કરવામાં આવશે.

13). ખેડૂતોને ન્યૂનતમ ટેકાના ભાવે (MSP) તમામ પાકોની ખરીદીની ગેરંટી આપવામાં આવશે. મંડી અને બજાર સમિતિને પુનર્જીવિત કરવામાં આવશે. વિભાગ, પેટા વિભાગ અને બ્લોક સ્તરે મંડીઓ ખોલવામાં આવશે.

14). દરેક વ્યક્તિને જન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ₹25 લાખ સુધીનો મફત સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આરોગ્ય વ્યવસ્થાને જિલ્લા સ્તરે અપગ્રેડ કરવામાં આવશે અને જિલ્લા હોસ્પિટલો- તમામ મેડિકલ કોલેજોમાં સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

15). મનરેગામાં હાલની ₹255 ની દૈનિક મજૂરીને વધારીને ₹300 કરવામાં આવશે અને 100 દિવસના કાર્યને વધારીને 200 દિવસ કરવામાં આવશે.

16). ‘અતિ પછાત અત્યાચાર નિવારણ અધિનિયમ’ પસાર કરવામાં આવશે. અનુસૂચિત જાતિ / જનજાતિના 200 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ આપીને વિદેશ મોકલવામાં આવશે.

17). વસતિના પ્રમાણમાં આરક્ષણની 50% ની મર્યાદાને વધારવા માટે વિધાન મંડળ દ્વારા પસાર કરાયેલા કાયદાને સંવિધાનની નવમી અનુસૂચિમાં સામેલ કરવા માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

18). અતિ પછાત વર્ગ માટે પંચાયત અને નગર સંસ્થાઓમાં હાલના 20% આરક્ષણને વધારીને 30% કરવામાં આવશે. અનુસૂચિત જાતિ (SC) માટે આ મર્યાદા 16% થી વધારીને 20% કરવામાં આવશે અને અનુસૂચિત જનજાતિ (ST)ના આરક્ષણમાં પણ આનુપાતિક વધારો સુનિશ્ચિત કરવામાં આવશે.

19). ગુના પ્રત્યે ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવવામાં આવશે. SP અને SHO માટે નિશ્ચિત કાર્યકાળ નક્કી કરવામાં આવશે.

20). તમામ લઘુમતી સમુદાયોના બંધારણીય અધિકારોની રક્ષા કરવામાં આવશે. વકફ સંશોધન બિલ પર રોક લગાવવામાં આવશે અને વકફ સંપત્તિઓના સંચાલનને પારદર્શક બનાવીને તેને વધુ કલ્યાણકારી અને ઉપયોગી બનાવવામાં આવશે. બૌદ્ધ ગયા સ્થિત બૌદ્ધ મંદિરોનું સંચાલન બૌદ્ધ સમુદાયના લોકોને સોંપવામાં આવશે.

Leave a comment