વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું

ભયંકર વાવાઝોડું મોનથા હવે વધુ શક્તિશાળી થઈ ગયું છે અને લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગ(IMD)ની લેટેસ્ટ આગાહી અનુસાર, વાવાઝોડું મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક 90-100 કિલોમીટર પ્રતિ કલાકની હવાની ઝડપ સાથે લેન્ડફોલ શરૂ થયું છે. તેની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી જઈ શકે છે. તેની અસર આંધ્રપ્રદેશ (વિશેષ કરીને કાકીનાડા, કોનસીમા, પશ્ચિમ ગોદાવરી) અને દક્ષિણી ઓડિસાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાઈ શકે છે. તેના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની મોટા પ્રમાણમાં કામગીરી ચાલી રહી છે. NDRFની અનેક ટીમો પહેલાથી જ તૈનાત કરી દેવાઈ છે.

મોનથા વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 થી 4 કલાકમાં તોફાન દરિયાકાંઠે ટકરાશે. મોનથા હાલમાં કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી રહ્યું છે.

મોનથા વાવાઝોડાની વધતી અસરને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકારે મંગળવારે રાત્રે સાત જિલ્લાઓમાં વાહનોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે બુધવારે રાત્રે 8:30 થી સવારે 6:00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાદ્યો છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (RTGS) એ ચેતવણી જારી કરી છે કે ચક્રવાત નીચેના જિલ્લાઓમાં સૌથી વધુ તીવ્ર રહેશે: કૃષ્ણા, એલુરુ, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, કાકીનાડા, ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા અને અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના ચિંટૂર અને રામપાચોડવરમ ડિવીઝન. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત આ વિસ્તારોમાં તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ પ્રતિબંધ દરમિયાન ફક્ત કટોકટી તબીબી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. અન્ય તમામ ખાનગી અને જાહેર વાહનોને પ્રતિબંધિત કરવામાં આવશે.

વાવાઝોડાની અસરના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કડલૂર સહિતના જિલ્લામાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે. 

વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. જેથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલા વેબસાઈટ પર અપડેટ જોવા વિવિધ એરલાઇન્સ કંપનીએ સલાહ આપી છે. આ સોવાય દક્ષિણ મધ્ય રેલવેએ અનેક ટ્રેનો પણ રદ કરી છે. 

વાવાઝોડાને જોતાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 24 કલાક સતત નજર રાખી રહ્યા છે. તૈયારીઓ પર નજર રાખવા માટે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. 

Leave a comment