સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ સમારોહ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આતંકવાક પ્રત્યે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા અને વર્તમાન વૈશ્વિક સંકટો વચ્ચે ગ્લોબલ સાઉથ પર વધી રહેલા સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે.
જયશંકરે યુએનની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની નિષ્ફળતા તરફ ઇશારો કરતાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી આતંકવાદને નાથવાની છે, પરંતુ તેમની સુરક્ષા પરિષદનો એક વર્તમાન સભ્ય (પાકિસ્તાન) પહલગામ જેવા બર્બર આતંકી હુમલાની જવાબદારી લેનારા આતંકી સંગઠનનો બચાવ કરે છે. તે સભ્યના વલણના કારણે યુએનની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સભ્યના વલણથી બહુપક્ષવાદ અને વિશ્વનીયતા પર શું અસર પડશે?
ભારતીય વિદેશ મંત્રીએ યુએનની ઇમાનદારી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, જો આતંકવાદના પીડિતો અને ગુનેગારોને વૈશ્વિક રણનીતિના નામે એક સમાન ગણવામાં આવે છે તો દુનિયા વધુ નિંદાત્મક કઈ રીતે બની શકે છે? જ્યારે આતંકવાદીઓને પ્રતિબંધિત પ્રક્રિયાથી બચાવવામાં આવે છે તો તેમાં સામેલ લોકોની ઇમાનદારીનો કોઈ અર્થ જ નથી.
ઉલ્લેખનીય છે કે, જયશંકરની આ ટિપ્પણી પહલગામ હુમલાને મુદ્દે સામે આવી છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો (Pahalgam Terror Attack) થયો હતો, જેમાં 23 ભારતીય નાગરિક અને એક નેપાળી નાગરિક સહિત 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ સાત મેએ ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું, જેમાં હુમલા કરી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબાની આતંકી છાવણીઓને ટાર્ગેટ કરી નષ્ટ કરી દીધા હતા. બીજીતરફ પાકિસ્તાને પણ હુમલા શરુ કરી દીધા હતા, જોકે ભારતે આક્રમકતા સાથે તેને સફળતાપૂર્વક જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનને હવાઈ ઠેકાણા પણ નષ્ટ કરી દીધા હતા.
