દેશની પહેલી સહકારી ટેક્સી સેવા ડિસેમ્બરમાં શરૂ થઈ રહી છે. એનું નામ “ભારત ટેક્સી” છે. નવેમ્બરમાં દિલ્હીમાં 650 ડ્રાઇવર સાથેનો એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. ત્યાર બાદ એ આવતા મહિનાથી દેશના બાકીના ભાગોમાં વિસ્તરશે અને ત્યાં સુધીમાં 5,000 ડ્રાઇવર અને મહિલા “સારથિ” આ કાર્યક્રમમાં જોડાઈ જશે.
હાલમાં ઓલા અને ઉબેર જેવી ખાનગી કંપનીઓ ટેક્સી સેવાઓ પ્રદાન કરે છે, પરંતુ સલામતીની ચિંતાઓ ઘણીવાર ઉઠાવવામાં આવી છે, તેથી કેન્દ્ર સરકાર પોતાની નિયંત્રિત ટેક્સી સેવા શરૂ કરી રહી છે.
ભારત ટેક્સી એ સૌપ્રથમ રાષ્ટ્રીય સહકારી રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ છે, જે સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ડ્રાઇવરો પણ સહ-માલિકો હશે. તાજેતરમાં સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારત ટેક્સી કોણ ચલાવશે?
- આ એક સબ્સ્ક્રિપ્શન-આધારિત મોડલ છે, જે સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. એની સ્થાપના જૂનમાં ₹300 કરોડના ભંડોળ સાથે કરવામાં આવી હતી.
- આ એપ-આધારિત સેવા ડિજિટલ ઇન્ડિયાનો એક ભાગ છે. એમાં અમૂલના એમડી જયેન મહેતા ચેરમેન અને એનસીડીસીના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર રોહિત ગુપ્તા વાઇસ-ચેરમેન તરીકે ગવર્નિંગ કાઉન્સિલ હશે.
- આ ઉપરાંત દેશભરની વિવિધ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા આઠ અન્ય સભ્યો છે. બોર્ડની પહેલી બેઠક 16 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી.
ઓલા અને ઉબેર જેવી જ ભારત ટેક્સીની એપ નવેમ્બરમાં એપ સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. આ એપ હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ હશે.
ડ્રાઇવરને દરેક રાઇડમાંથી થતી કમાણીનો 100% ભાગ મળશે અને તેની પાસેથી માત્ર દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ફી લેવામાં આવશે.
મહિલા સારથિ એટલે કે મહિલા ડ્રાઇવરો. પ્રથમ તબક્કામાં 100 મહિલા જોડાશે. 2030 સુધીમાં તેમની સંખ્યા 15,000 સુધી પહોંચી જશે. 15 નવેમ્બરથી તેમને મફત તાલીમ અને ખાસ વીમો મળશે.
2030 સુધીમાં આ સેવા કેવી રીતે આગળ વધશે?
- ડિસેમ્બરથી માર્ચ 2026 સુધી રાજકોટ, મુંબઈ અને પુણેમાં સેવા. ડ્રાઇવરોની સંખ્યા 5,000 હશે. બહુ-રાજ્ય કામગીરી.
- આ કાર્યક્રમ એપ્રિલ અને ડિસેમ્બર વચ્ચે લખનઉ, ભોપાલ અને જયપુરમાં શરૂ થશે. એમાં 15,000 ડ્રાઇવરો અને 10,000 વાહન હશે.
- 2027-28 સુધીમાં 50,000 ડ્રાઇવર સાથે 20 શહેરમાં સમગ્ર ભારતમાં સેવા ઉપલબ્ધ થશે. આ સેવા FASTag સાથે જોડાયેલી હશે.
- આ સેવા 2028-2030ની વચ્ચે જિલ્લા મુખ્યાલય અને ગામડાંમાં એક લાખ ડ્રાઇવરો સાથે શરૂ થશે.
