નલિયા 17 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

સરહદી કચ્છ જિલ્લામાં વિષમ હવામાનની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. જિલ્લા મથક ભુજમાં દિવસ દરમિયાન આકરો તાપ અનુભવાય છે, જ્યારે સવાર-સાંજ ઠંડક રહે છે. બીજી તરફ, નલિયામાં તાપમાનનો પારો સતત લઘુતમ સ્તરે સરકી રહ્યો છે.

ગઈકાલે નલિયા 18 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક હતું, જે આજે 17 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ બન્યું છે. ભુજમાં ગઈકાલે 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું.

દિવાળી પર્વના પ્રારંભિક વાઘ બારસના પાવન દિવસે સમગ્ર જિલ્લામાં ઠંડકની લહેર પ્રસરી ગઈ હતી. સવાર-સાંજનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું, જોકે દિવસ ચડતા જ તડકાનો પ્રકોપ પણ જણાઈ આવે છે. આ મિશ્ર હવામાનની અસર જનજીવન પર પણ વર્તાઈ રહી છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં તેની વિશેષ અસર પહોંચી રહી છે. બાળકો, વૃદ્ધો અને અશક્ત લોકોમાં મોસમી બીમારીના લક્ષણો સામાન્ય બન્યા છે.

Leave a comment