ભારતીય સૈન્યશક્તિને લઈને આપણને ગર્વ થાય એવી જાહેરાત સામે આવી છે, અને તે એ કે, ભારતીય વાયુસેના (Indian Air Force – IAF) ને અમેરિકા (US Air Force) અને રશિયા (Russian Air Force)ની વાયુસેના પછી વિશ્વની ત્રીજા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના તરીકેની માન્યતા મળી છે. આ રેંકિંગમાં ભારતે તેના પડોશી અને વૈશ્વિક પ્રતિસ્પર્ધી ચીન (People’s Liberation Army Air Force – PLAAF) ને પાછળ છોડી દીધું છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પાછળના કારણો રસપ્રદ છે.
કોઈ પણ દેશની વાયુસેનાની શક્તિ માત્ર વિમાનોની સંખ્યા જોઈને નક્કી થતી નથી. તેનો આંકડો કાઢવા માટે નીચેના પાસાંઓને ધ્યાનમાં લેવામાં આવે છે:
1. વિમાનોની સંખ્યા અને ગુણવત્તા: ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ વિમાન, હેલિકોપ્ટર્સ, અને ખાસ હેતુના વિમાનો (જેમ કે અન્વેષણ અને નિગરાની)ની કુલ સંખ્યા કેટલી છે.
2. એડવાન્સ ટેક્નોલોજી: વિમાનોમાં લાગેલી ટેક્નોલોજી કેટલી એડવાન્સ કક્ષાની છે. રડાર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા, અને સ્ટીલ્થ ટેક્નોલોજી કેટલી આધુનિક છે.
3. માનવસંસાધન: પાયલટ્સ, તકનીકી કર્મચારીઓ અને સ્ટાફની તાલીમ, કુશળતા અને અનુભવ કેવા અને કેટલા છે.
4. પરિચાલન ક્ષમતા: જે-તે દેશની વાયુસેના દ્વારા એકીસાથે કેટલાં ઓપરેશન ચલાવી શકાય છે, દૂરના સ્થળે કેટલી ઝડપથી સેના પહોંચાડી શકાય છે, એ મુદ્દા પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
5. એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ ક્ષમતા: વિવિધ પ્રકારના હથિયારોની અને મિસાઈલ સિસ્ટમની ક્ષમતા પણ આંકવામાં આવે છે.
6. નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ ક્ષમતા: વિવિધ સેના વિભાગો (જમીન, વાયુ, સમુદ્ર) અને સંસાધનોને એક સાથે જોડીને ઓપરેશન ચલાવવાની ક્ષમતા કેટલી ઉત્તમ છે, એય લક્ષમાં લેવામાં આવે છે.
ભારતની વાયુસેના પાસે 1,716 વિમાનો છે, એની સામે ચીનની વાયુસેના (PLAAF) પાસે બમણાં કરતાં વધારે એટલે કે 3,733 વિમાનો છે. તેમની પાસે J-20 જેવા સ્ટીલ્થ ફાઇટર જેટ્સ પણ છે. છતાં, વિશ્લેષકો માને છે કે IAF એ PLAAF કરતાં બહેતર છે, જેના કારણો નીચે મુજબ છે.
અનુભવી પાયલટ્સ: IAFના પાયલટ્સને વાસ્તવિક યુદ્ધ અને ઓપરેશનલ અનુભવ વધુ છે.
ટેક્નોલોજિકલી ભારતના વિમાનો વધુ સંતુલિત છે: ભારતે વિવિધ દેશો (રશિયા, ફ્રાંસ, ઇઝરાયલ, અમેરિકા) પાસેથી ટેક્નોલોજી લઈને સંતુલિત અને વિવિધતાભર્યો વિમાનજથ્થો ઊભો કર્યો છે.
ઓપરેશનલ તાલીમ: IAFની યુદ્ધ તાલીમને વિશ્વભરમાં ઉચ્ચ દરજ્જાની ગણવામાં આવે છે.
વિશ્વના પ્રમુખ દેશોની વાયુસેનાની રેંકિંગ અને વિશેષતા
1. અમેરિકા (US Air Force): વિશ્વમાં સૌથી શક્તિશાળી, સૌથી આધુનિક તકનીક (F-22, F-35), અને વિશ્વવ્યાપી પહોંચ. રેંકિંગ- 242.92
2. રશિયા (Russian Air Force): વિમાનોની વિશાળ સંખ્યા, શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ (S-400 જેવી) અને ભારે બોમ્બર્સ. રેંકિંગ- 114.23
3. ભારત (Indian Air Force): આધુનિક અને વિવિધતાભર્યાં વિમાનો, ઉચ્ચ કુશળતાસંપન્ન માનવબળ અને વધતી જતી સ્વદેશી ક્ષમતા. રેંકિંગ- 69.44
4. ચીન (PLAAF): વિમાનોની વિશાળ સંખ્યા અને ઝડપથી વિકસિત થતી સ્ટીલ્થ અને અન્ય તકનીકો, પરંતુ અનુભવ અને સંયુક્ત ઓપરેશનમાં પડકારો. રેંકિંગ- 63.85
5. જાપાન (Japanese Air Self-Defense Force): ઉચ્ચ કક્ષાના F-35 જેટ્સ અને શક્તિશાળી એર ડિફેન્સ. રેંકિંગ- 58.1
6. ઇઝરાયલ (Israeli Air Force): અત્યંત આધુનિક તકનીક, ઉત્કૃષ્ટ તાલીમ અને વાસ્તવિક લડાઈનો વિશાળ અનુભવ. રેંકિંગ- 56.3
7. ફ્રાંસ (French Air Force): રાફેલ જેવી અદભુત તકનીક અને સ્વતંત્ર રક્ષણ ઉદ્યોગ. રેંકિંગ- 55.3
