અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક મોટી ઘટના બની હતી. જેમાં કતાર એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ જઈ રહી હતી. વિમાનની ઉડાન દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય મોકલી દેવાઈ હતી.
