જી.કે.જન.હોસ્પિ.માં રોજ લગભગ ૧૦૦ માનસિક  દર્દીઓને ઓપીડીમાં અપાય છે સારવાર અને સલાહ

ભારતમાં કેટલાક સમયથી તનાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક  સમસ્યામાં ખૂબ વધારો થયો છે, જે ચિંતાનું કારણ બની શકે છે. કેમકે  માનસિક સ્વાસ્થ્ય જ નક્કી કરે છે કે, વ્યક્તિ શારીરિક રીતે કેટલી સ્વાસ્થ્યપ્રદ અને સુખી છે.અસ્વસ્થ માનસિકતા અનેક રોગ વધારે છે.અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં દર રોજ નાના મોટા લગભગ  ૧૦૦ જેટલા માનસિક સમસ્યાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોના જણાવ્યા મુજબ માનસિક સ્વાસ્થ્યમાં ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ભાવના પણ રહેલી છે. માટે બાળકો વૃદ્ધો અને યુવાનીના કોઈપણ ચરણમાં દરેકે  માનસિક નિરોગી રહેવા સારવાર લેવી  અત્યંત જરૂરી છે.અને કેટલાક દર્દોમાં તો લાંબા ગાળા સુધી સારવાર લેવાની જરૂર પર છે. એમ મનોચિકિત્સક ડો.રિદ્ધિ ઠક્કરે કહ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ માનસિક રોગના દર્દીઓ આ રોગને તાવ,શરદી,ઉધરસ જેમ સામન્ય ગણી સારવાર છોડી દે છે જે નુકસાનકરક સાબિત થાય છે,પરંતુ ડાયાબિટીસ,બી.પી.જેવા દર્દોની માફક લાંબા સમય સુધી સારવાર લેવી પડે છે.જો આવી સારવાર ન લેવાય તો લક્ષણો પુનઃ ઉભરી આવે છે.

અસ્વસ્થ માનસિકતા શરીરમાં પાચનતંત્રમાં વિક્ષેપ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વજન વધવું, સ્ટ્રોક, હૃદયરોગ, ઓછી ઊંઘ, ભૂલી જવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે.  કેમ ઠીક કરી શકાય તે અંગે મનોચિકિત્સક ડો.નીરવ ચાંપાના  કહેવા મુજબ જાત માટે સમય કાઢો, આનંદ મળે એવું કામ કરો, સ્વસ્થ કે સંતુલિત આહાર લેવો, મેડીટેશન, યોગ, સંગીત સાંભળવું, પરિવાર અને દોસ્તો સાથે સમય પસાર કરવો. ઝંકફૂડથી દૂર રહેવા  જેવી સંભાળ લેવી જોઈએ. 

ડો.બંસીતા પટેલ અને ડો.કંગના દેસાઇએ કહ્યું કે,આમ તો ડિપ્રેશન એટલે નેગેટિવ વિચારોનું શરીર અને  મન ઉપર હાવી થઈ જવું છે. સોશિયલ મીડિયામાં આવતી બિનજરૂરી બાબતો ટેન્શન વધારે છે.ખરેખર એવું જુઓ જે તમને હળવા અને રિલેક્સ કરે અને ટેન્શન આપે એવા કન્ટેન્ટથી હંમેશા દૂર રહેવું. આપણી આજુબાજુની નેગેટિવિટીથી પણ આપણે સતત ચેતતા રહેવું પડશે.

કેટલાક વૈજ્ઞાનિક કારણોને લઈ  મહિલામાં આ સમસ્યાનું પ્રમાણ વિશેષ છે. એક સંશોધન અનુસાર મહિલામાં આનુવંશિકતાનું કારણ જવાબદાર છે, પરંતુ માત્ર આનુવંશિકતા જ નહીં સામાજિક, આર્થિક, સ્ત્રી પુરુષના ભેદભાવ પણ મહિલાના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

Leave a comment