કેલિફોર્નિયા ‘દિવાળી’ ને સ્ટેટ હોલિડે જાહેર કરનારું ત્રીજું અમેરિકન રાજ્ય

અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાએ હવે દિવાળી પર સત્તાવાર રાજકીય રજા જાહેર કરી છે. આ પ્રકારે કેલિફોર્નિયા અમેરિકાનું ત્રીજું રાજ્ય બની ગયું છે, જેણે ભારતના આ મોટા તહેવાર પર સત્તાવાર રજાની માન્યતા આપી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે કહ્યું કે, મેં વિધાનસભા સભ્ય એશ કાલરા તરફથી દિવાળીમાં રાજકીય સત્તાવાર રજા જાહેર કરતા બિલ પર સહી કરી દીધી છે.’

દિવાળીને સત્તાવાર રાજકીય રજા જાહેર કરતું ‘AB 268’ નામનું આ બિલ સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયા વિધાનમંડળના બંને ગૃહોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયું હતું, જેના પર ગવર્નરના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.

વિધાનસભાના સભ્ય એશ કાલરાએ જણાવ્યું હતું કે, ‘કેલિફોર્નિયા ભારતીય અમેરિકનોની સૌથી મોટી વસ્તી ધરાવતું રાજ્ય છે. દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરવાથી લાખો કેલિફોર્નિયાના રહેવાસીઓ આ તહેવારની ઉજવણી કરી શકશે. દિવાળી સદ્ભાવના, શાંતિ અને નવીકરણની સહિયારી ભાવનાના સંદેશ સાથે સમુદાયોને એકસાથે લાવે છે. કેલિફોર્નિયાએ દિવાળી અને તેની વિવિધતાને અપનાવવી જોઈએ, ન કે તેને અંધારામાં છુપાવીને રાખવું જોઈએ.’

કેલિફોર્નિયા પહેલાં અન્ય બે રાજ્યોમાં પણ દિવાળીને સત્તાવાર રજા તરીકે માન્યતા મળી ચૂકી છે:

  • પેન્સિલ્વેનિયા: ઓક્ટોબર 2024માં દિવાળીને સત્તાવાર રાજકીય રજા તરીકે માન્યતા આપનારું આ પ્રથમ રાજ્ય બન્યું હતું.
  • કનેક્ટિકટ: આ વર્ષે (2025) કનેક્ટિકટે પણ દિવાળીને રાજ્ય રજા તરીકે જાહેર કરી હતી.
  • ન્યૂયોર્ક સિટી: ન્યૂન્યૂયોર્ક સિટીમાં દિવાળીને જાહેર શાળાઓ માટેની રજા તરીકે જાહેર કરવામાં આવી છે, જોકે આ સમગ્ર ન્યૂયોર્ક રાજ્ય માટેની સત્તાવાર ‘સ્ટેટ હોલિડે’ નથી.

સામુદાયિક નેતાઓ અને અગ્રણી ભારતીય પ્રવાસી સંગઠનોએ કેલિફોર્નિયાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. બિન-નફાકારક સંગઠન ‘ઇન્ડિયાસ્પોરા’એ જણાવ્યું હતું કે, આ માન્યતા ન ફક્ત દિવાળીની જીવંતતા દર્શાવે છે, પરંતુ સમગ્ર અમેરિકામાં ભારતીય અમેરિકન સમુદાયના કાયમી પ્રભાવને પણ દર્શાવે છે.

Leave a comment