વિશ્વ સેરેબ્રલ પાલ્સી ડે દર વર્ષે ૬થી ઓકટો.ના રોજ ઉજવવામાં આવે છે.આ એક એવી માનસિક બીમારી છે, જેનું સીધું જોડાણ મસ્તિસ્ક સાથે છે.જ્યારે નવજાતના મગજ સુધી લોહીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં મગજ સુધી ન પહોંચે એટલે ઓક્સિજનની ઉણપ રહી જાય.અને મગજને નુકશાન થાય છે અને સેરેબ્રલ પાલ્સી રોગ થાય છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બાળ રોગ વિભાગના હેડ ડૉ. રેખાબેન થડાનીના જણાવ્યા મુજબ મગજને અસર થવાથી તેનાથી જોડાયેલા શરીરનો હિસ્સો લકવાગ્રસ્ત બને છે.જેથી બાળક અસહાય બની જાય છે.સામાજિક અને પારિવારિક તેમજ માનસિક ઉપરાંત આર્થિક નુકશાની પણ વેઠવી પડે છે.જો કે શિશુ જેમ મોટું થાય તેમ કેટલીક ક્ષમતા વિકાસ પામે છે, પરંતુ અન્ય બાળકોની સરખામણીમાં અસરગ્રસ્ત બાળકનો વિકાસ અલ્પ પ્રમાણમાં થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ સંક્રમણ થાય,ઝેરની અસર થઈ હોય,માતાને અપોષણ, અકાળ જન્મ,જન્મ વખતે ઓછું વજન,મગજની ઇજા,મગજમાં રક્તસ્ત્રાવ,વારસાગત દુર્લભ સિન્ડ્રોમ, મેનીનજાઈટીસને કારણે આ વ્યાધિ સર્જાવાનો ભય વધુ રહે છે. સેરેબ્રલ પાલ્સીના આવા અનેક મુખ્ય કારણ છે. હોસ્પિટલમાં પ્રતિ માસે ઓપીડી અને વોર્ડ મળીને લાંબા સમયથી રોગગ્રસ્ત અંદાજે ૧૫થી ૧૭ બાળકો સરેરાશ સારવાર લેતા હોય છે.
બાળક જન્મે ત્યારે તેનો સીધો અંદાજ આ રોગનો નથી આવતો, પરંતુ એક વર્ષમાં તેના લક્ષણો દેખાવા લાગે છે.ખરેખર ન્યુરોલોજીકલ નુકસાન કેમ, ક્યારે અને કેટલું થયું તેનો ખ્યાલ તો બાળકની ઉંમર વધે તેમ આવે છે અને તે પણ પરીક્ષણ કરાવવાથી જ થઈ શકે.બાળકના આ રોગના મુખ્ય લક્ષણમાં બાળક બેસી,ચાલી કે વાત કરી શકતું નથી.
સેરેબ્રલ પાલ્સીનો પહેલેથી કેમ ખ્યાલ આવી શકે એ અંગે તબીબોએ જણાવ્યું કે,માતાનું ગર્ભાવસ્થા વખતે જીનેટિક પરીક્ષણ થાય તો જ પરિસ્થિતિને પામી શકાય અને ડોક્ટરની સલાહ મુજબ ઇલાજ થઈ શકે.
