ઓક્ટોબર ૯થી ૧૬ દરમિયાન ભારતની મુલાકાત લેવા આવનારા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમીરખાન મુત્તાકી ઉપરનો ‘યાત્રા પ્રતિબંધ’ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ ઉઠાવી લીધો છે. ‘સલામતી સમિતિ’ના પ્રસ્તાવ ૧૯૮૮ (૨૦૧૧) પ્રમાણે કેટલીક વ્યક્તિઓ ઉપર પ્રવાસ પ્રતિબંધ હોય છે પરંતુ રાજદ્વારી કે આરોગ્યના કારણોસર યાત્રા કરવા ઉપર તે પ્રતિબંધ લાગુ પડતો નથી.
૧ ઑગષ્ટ, ૨૦૨૫ના દિને ‘સલામતિ સમિતિ’એ ઉક્ત નિયમ પ્રમાણે મુત્તાકી ઉપરનો તે પ્રતિબંધ દૂર કર્યો છે. તેઓ ૯થી ૧૬ ઓક્ટોબર સુધી ભારતમાં વિવિધ સ્થળોએ જશે તે પણ સંભવિત છે.
આ પૂર્વે સલામતિ સમિતિએ મેડીકલ ટ્રીટમેન્ટ માટે અબ્દુલ સલામ હનાફી અલિ. મર્દાન કુલ.ને પણ દોહમાં મેડીકલ ટ્રીટમેન્ટ માટે જવાની પરવાનગી આપી હતી.
નિરીક્ષકો કહે છે કે, અફઘાન વિદેશમંત્રીની ભારતની ૮ દિવસની મુલાકાત ઘણી ધ્યાનાકર્ષક છે એક તો તે પાકિસ્તાન સાથે સરહદી વિવાદમાં એટલી હદ સુધી ફસાયું છે, બંનેના દળો વચ્ચે સામસામા ગોળીબારો પણ વારંવાર થાય છે. અન્ય મુદ્દો તે પણ છે કે કેટલાક સમય પૂર્વે અફઘાન પ્રતિનિધિ મંડળ ચીનની મુલાકાતે ગયું હતું પરંતુ ચીનની તે ત્રણ દિવસની જ મુલાકાતમાં તે પ્રતિનિધિ મંડળને તદ્દન ઠંડો આવકાર મળ્યો હતો. વાસ્તવમાં તાલિબાનોએ અફઘાનિસ્તાન ઉપર સંપૂર્ણ કબજો કર્યા પછી તેમની સરકારને પાકિસ્તાન પછી તુર્ત જ ચીને માન્યતા આપતા તાલિબાનો ખુશ થયા હતા પરંતુ ચીનની નેમ ત્યાં મળતી દુર્લભ ધાતુઓ ઉપર છે તે જાણ્યા પછી બંને દેશો વચ્ચેની નિકટતા તૂટી ગઈ હતી. બીજી તરફ અનાજની ભારે મુશ્કેલી ભોગવતા અફઘાનિસ્તાનને ભારતે ૫,૦૦૦ મે. ટન ઘઉં મોકલી તેની તે મુશ્કેલી હળવી કરી હતી પરંતુ તે ઘઉં લઈ જતા ટ્રકને પાકિસ્તાને જ પહેલા અટકાવ્યા હતા. છેવટે માંડ માંડ તે ટ્રક ખૈબરઘાટ ઓળંગી અફઘાનિસ્તાન પહોંચ્યા. આ બધું અફઘાનિસ્તાન ભૂલી શકે તેમ નથી.
મુશ્કેલી તે છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ ઉપર કઠોર પ્રતિબંધો છે. છોકરીઓને પ્રાથમિક શિક્ષણથી આગળ ભણવાની ‘ના’ છે. જે યુવતીઓ અત્યારે કૉલેજોમાં છે તેમને પુરુષ વિદ્યાર્થીઓથી જુદી બેસાડાય છે તેટલું જ નહીં પરંતુ બંને વચ્ચે પર્દો રખાય છે.
અફઘાન વિદેશ મંત્રી ભારત આવશે ત્યારે ભારતમાં છોકરીઓ, યુવતીઓ અને મહિલાઓને મળતી ‘સંપૂર્ણ સ્વતંત્રતા’ જોઈ તેઓ કૈં સુધરે તેવી આશા રખાય છે. સંભવત: બંને દેશો વચ્ચે અનેકવિધ કરારો થશે તેવી પણ આશા છે.
