ગુજરાત ભાજપના પ્રમુખપદે જગદીશ પંચાલ બિનહરીફ

જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું. તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું નથી.

આમ, હવે જગદીશ પંચાલ બિનહરીફ થઈ ગયા છે. હવે આવતીકાલે, એટલે કે 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે.

સત્તાવાર જાહેરાત પહેલાં ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાનેથી સવારે 8:30 વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા નીકળશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર જશે. ગાંધીનગરના ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ તેમની સાથે રેલીમાં જોડાશે.

જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ 46-નિકોલ મત વિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. રાજ્યમાં સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર, 2021થી વન અને પર્યાવરણમંત્રી (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2021 સુધી રહ્યા હતા. કોરોનાને કારણે મોડી થયેલી વર્ષ 2021ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 સીટમાંથી ભાજપે 160 સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી. જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે. શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં તેમની પકડ મજબૂત છે અને આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મહોર મારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનો 12 ઓગસ્ટ 1973ના રોજ જન્મ થયો હતો. ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે. સ્વચ્છ અને નિર્વિવાદિત છબિ તેઓ ધરાવે છે. રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા સ્થાન ધરાવે છે.

Leave a comment