26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સામે બદલો ન લેવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય દબાણ અને વિદેશ મંત્રાલયના વલણને કારણે લેવામાં આવ્યો હતો – પી ચિદમ્બરમ

મનમોહન સિંહ સરકારમાં ગૃહમંત્રી રહેલા પી ચિદમ્બરમે ખુલાસો કર્યો છે કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી, તેમને પણ બદલો લેવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે લશ્કરી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો.

2008ના મુંબઈ આતંકવાદી હુમલાના સત્તર વર્ષ પછી, ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગળવારે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાકિસ્તાન સામે બદલો ન લેવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય દબાણ અને વિદેશ મંત્રાલયના વલણને કારણે લેવામાં આવ્યો હતો.

મુંબઈ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. 60 કલાક સુધી 10 આતંકવાદીઓએ મુંબઈના રસ્તાઓ, તાજ હોટેલ, સીએસટી રેલવે સ્ટેશન, નરીમાન હાઉસ અને કામા હોસ્પિટલને નિશાન બનાવ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુે.

ચિદમ્બરમે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, “સમગ્ર દુનિયા તરફથી દબાણ હતું. અમને યુદ્ધ ન કરવા માટે સમજાવવામાં આવી રહ્યા હતા. તત્કાલીન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ દિલ્હી આવ્યા અને કહ્યું, ‘કૃપા કરીને કાર્યવાહી ન કરો.’ કોઈપણ સત્તાવાર રહસ્યો જાહેર કર્યા વિના, હું સ્વીકારું છું કે મારા મનમાં બદલો લેવાની ભાવના જાગી હતી.”

“મેં વડાપ્રધાન અને અન્ય જવાબદાર લોકો સાથે બદલો લેવાની કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને હુમલા દરમિયાન જ તેની ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય માનતું હતું કે સીધો હુમલો ન કરવો જોઈએ. આ પછી, સરકારે કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો.”

ભાજપે કહ્યું- તે સમયે દેશને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો

  • કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X પરના આ ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી. તેમણે લખ્યું, “ભૂતપૂર્વ ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે કે દેશ પહેલાથી જ જાણતો હતો કે વિદેશી તાકાતોના દબાણને કારણે મુંબઈ હુમલાઓને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવ્યા ન હતા.
  • ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈ હુમલા પછી ચિદમ્બરમ શરૂઆતમાં ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવામાં ખચકાટ અનુભવતા હતા, કારણ કે તેઓ પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી ઇચ્છતા હતા, પરંતુ અન્ય લોકો ભારે પડ્યા હતા.

2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આ વર્ષે એપ્રિલમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. રાણાને ઓક્ટોબર 2009માં અમેરિકાના શિકાગોમાં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

તેના પર 26/11 ના મુંબઈ અને કોપનહેગન આતંકવાદી હુમલા માટે સહાય પૂરી પાડવાનો આરોપ હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીની જુબાનીના આધારે, તહવ્વુર રાણાને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

રાણાના ભારત પ્રત્યાર્પણ અંગે પી. ચિદમ્બરમે એમ પણ કહ્યું કે આ મામલામાં અગાઉની સરકાર પણ શ્રેયને પાત્ર છે. તેમણે કહ્યું કે એનડીએ સરકાર હાલમાં જે કરી રહી છે તેનો શ્રેય લઈ શકે છે. પરંતુ તેમણે અગાઉની સરકારને પણ શ્રેય આપવો જોઈએ, જેણે ઘણું બધું કર્યું છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે તહવ્વુર રાણાને ભારત લાવવાની પ્રક્રિયા 2009માં યુપીએ શાસન દરમિયાન શરૂ થઈ હતી અને તેથી એનડીએ સરકારે તેનો બધો શ્રેય ન લેવો જોઈએ.

Leave a comment