નવરાત્રીના પવિત્ર પર્વે, અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંદ્રા તાલુકાના ગામોના 5 સ્વ-સહાય જૂથોની લગભગ 50 ઉદ્યોગસાહસિક મહિલાઓને સાધન સહાય કીટનું વિતરણ કરી, તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
નવરાત્રી, માતા દુર્ગાની શક્તિની આરાધનાનું પર્વ, માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ મહિલા શક્તિની ઉજવણીનો પ્રસંગ છે. આજના સમયમાં, જ્યારે સમાજ ઝડપથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે મહિલાઓ માટે આર્થિક રીતે સ્વાવલંબી બનવું અનિવાર્ય બન્યું છે. આ સંદર્ભમાં, અદાણી ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ હેઠળ મહિલાઓને નાના-મોટા ઉદ્યોગો શરૂ કરવા માટે સાધનો અને તાલીમ પૂરી પાડવામાં આવી. આમાં કોમર્શિયલ ફૂડ ટૂલ સ્પોર્ટ, પશુપાલન કરતી મહિલાઓ માટે દૂધના વેચાણ માટે ફ્રીઝર, પેપરડીશ મશીન, સિલાઈ સેન્ટર માટે સિલાઈ મશીન જેવાં અનેક સાધનોનો સમાવેશ થાય છે.
અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસનો હેતુ મહિલાઓને તેમના ઉદ્યોગોમાં વેગ આપવા અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને માત્ર સાધનો જ નહીં, પરંતુ પ્રેરણા અને આત્મવિશ્વાસ પણ પ્રદાન થશે. ફાઉન્ડેશનના મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નીચેની પાંચ મુખ્ય કામગીરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે:
- સ્વ-સહાય જૂથોની રચના અને તાલીમ: મહિલાઓનાં સ્વ-સહાય જૂથો બનાવી, તેમને રોજગારલક્ષી તાલીમ આપી અને ઉદ્યોગ શરૂ કરવા આર્થિક ટેકો પૂરો પાડવો.
- કન્યા શિક્ષણને પ્રોત્સાહન: ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડી, કન્યાઓને આગળ લાવવી.
- નોકરીની તકો: શિક્ષિત મહિલાઓને નોકરી મેળવવા માટે માર્ગદર્શન અને અદાણી ગ્રૂપ તેમજ અન્ય કંપનીઓમાં ઇન્ટરવ્યૂ માટે જોડાણ કરવું.
- મહિલા નેતૃત્વ વિકાસ: સુપોષણ સંગીની, પાણી સમિતિ, અને પંચાયત નેતૃત્વમાં મહિલાઓની ભાગીદારી વધારવી.
- વિધવા અને વૃદ્ધ મહિલાઓની સહાય: આરોગ્ય અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે સરકારી પેન્શન યોજનાઓ સાથે જોડાણ, સિલાઈ મશીન, સૂકા નાસ્તાનું વેચાણ, અને હેન્ડીક્રાફ્ટ વેચાણ માટે પ્લેટફોર્મ ઊભું કરવું.
અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસો દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી, સમાજમાં તેમનું આગવું સ્થાન ઊભું કરવાનો સતત પ્રયાસ ચાલુ છે. નવરાત્રીના આ પવિત્ર પર્વે, શક્તિ વંદના કાર્યક્રમ એ સાચા અર્થમાં મહિલા શક્તિની ઉજવણી છે.
