~ હોસ્પિ.ના પ્લાસ્ટિક સર્જરી, રેડિયોલોજી અને પેથોલોજી વિભાગનું પણ રહ્યું સક્રિય યોગદાન
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ચક્ષુ વિભાગ દ્વારા આંખના પાંપણ ઉપરના અર્ધચંદ્રાકાર ભાગમાં થયેલી કેન્સરની ગાંઠને (બેસલ્સ સેલ કાર્સીનોમા) દૂર કરી વૃદ્ધાને જીવનદાન આપવાની સાથે સ્પષ્ટ નજર પણ પુનઃસ્થાપિત કરી હતી.
કચ્છમાં સંભવત પ્રથમ વખત થયેલી આ પ્રકારની રાજ્યસ્તરની સર્જરીમાં હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી, રેડિયોલોજી અને પેથોલોજી વિભાગે સક્રિય યોગદાન આપ્યું હતું.
આંખ વિભાગના ચક્ષુ નિષ્ણાત ડો. અતુલ મોડેસરાએ આ સફળ સર્જરી કર્યા બાદ કહ્યું કે, અંજાર તાલુકાના મખીયાણા ગામના વૃદ્ધા સભાઈ બેન રબારી અન્ય હોસ્પિટલમાં તપાસ અને સારવાર બાદ અત્રે આવ્યા ત્યારે પીડિત મહિલાના આંખ ઉપર થયેલી કેન્સરની ગાંઠ શરીરના અન્ય ભાગમાં પ્રસરે તે પહેલાં સવેળા ઓપરેશન કરાવવાની સલાહ આપી. જો કે દર્દીએ પણ સકારાત્મક પ્રતિભાવ આપતા તત્કાલ ઓપરેશન કરી, કેન્સરનું જોખમ દૂર કરવા સાથે ગાંઠને જળમૂળથી દૂર કરી સાથે સ્પષ્ટ વિઝન પણ મળ્યું.
ગાંઠ દૂર થયા પછી પ્લાસ્ટિક સર્જન ડો. મહાલક્ષ્મી પિલ્લઈએ આંખ બંધ થવાની અને ખોલવાની પ્રક્રિયા યથાવત બની રહે એ માટે કપાળમાંથી સ્કીનનો ભાગ લઈ ઓપરેશનની જગ્યાએ સ્કિનનો ભાગ લઈ પ્લાસ્ટિક સર્જરી કરી દેતા આંખ સંપૂર્ણ યથાવત થઈ ગઈ. આ કાર્ય ઉપરાંત રેડિયોલોજી વિભાગની ટીમ દ્વારા જરૂરી પરીક્ષણ તેમજ પેથોલોજી વિભાગની સમયસરની કામગીરીને કારણે ઓપરેશનને સંપૂર્ણ સફળતા મળી.
આ ઓપરેશનમાં આંખ વિભાગના ડો.નૌરીન મેમણ, ડો.વૃંદા ગોગદાણી, ડો.ચિંતન ચૌધરી, ડૉ.ધ્રુવી શાહ ડો.હાર્દીક સુથાર, ડો.હેતવી શાહ અને નર્સિંગ સ્ટાફ ની જહેમત સરહાનીય રહી હતી.
