સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (25મી સપ્ટેમ્બર) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ને ભારતીય વાયુસેના માટે 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) માર્ક 1A (તેજસ) ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે 62,370 કરોડ રૂપિયામાં આ ડીલ કરી છે, જેમાં ટેક્સનો સમાવેશ થયો નથી.
અહેવાલો અનુસાર, 97 તેજસ ફાઇટર જેટમાં 68 સિંગલ-સીટર ફાઇટર જેટ અને 29 ડબલ-સીટર ટ્રેનર ફાઇટર જેટનો સમાવેશ થાય છે. તેજસ માર્ક 1Aની ડિલિવરી વર્ષ 2027-28માં શરુ થશે અને છ વર્ષમાં પૂર્ણ થશે. તેમાં 64 ટકાથી વધુ સ્વદેશી ઉપકરણો હશે, જે આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપવા તરફ એક મુખ્ય પગલું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) દ્વારા મોટી ખરીદીને મંજૂરી આપ્યાના લગભગ એક મહિના પછી આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સંરક્ષણ મંત્રાલય તરફથી તેજસ ફાઇટર જેટ માટે બીજો ઑર્ડર મળ્યો છે. ફેબ્રુઆરી 2021માં કેન્દ્ર સરકારે HAL સાથે 83 માર્ક 1A જેટ માટે ઑર્ડર આપ્યો હતો. આ ડીલ 46,898 કરોડ રૂપિયાની હતી, જેની ડિલિવરી 2028માં નક્કી થઈ છે.
સિંગલ-એન્જિન માર્ક 1A, ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઇટર જેટનું સ્થાન લેશે. ભારતીય વાયુસેના આ ફાઇટર જેટને સામેલ કરવા માંગે છે કારણ કે તેની ફાઇટર સ્ક્વોડ્રન સંખ્યા સત્તાવાર રીતે મંજૂર કરાયેલી 42થી ઘટીને 31 થઈ ગઈ છે. મિગ-21 વિમાન 26મી સપ્ટેમ્બર 2025ના રોજ રિટાયર થશે. તેની 62 વર્ષની સેવા દરમિયાન તેણે 1971ના યુદ્ધ, કારગિલ અને અન્ય ઘણાં મોટા મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને તાજેતરમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માર્ક 1A માટે ત્રીજું JE-404 એન્જિન પણ મળ્યું છે અને ટૂંક સમયમાં બીજું એન્જિન મળવાની અપેક્ષા રાખે છે. આ ફાઇટર જેટમાં વધુ અદ્યતન કોમ્બેટ એવિઓનિક્સ અને હવા-થી-હવા રિફ્યુઅલિંગ ક્ષમતા હશે.
