આરોગ્યનો આધાર સ્વસ્થ પોષણ અને નિરોગી જીવનશૈલી

~ સ્ત્રીરૂપી પરિવારનો પાયો સ્વસ્થ તો જ કુટુંબ ખુશહાલ

ભારતમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થઈ ગયો હોવાથી જુદા જુદા ક્ષેત્રોમાં સામુહિક ધોરણે જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહિલા પરિવારનો પાયો છે જો પાયો મજબૂત હશે તો જ કુટુંબ રૂપી ઇમારત સ્વસ્થ અને ખુશાલ રહેશે,ત્યારે અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબોએ મહિલાની ઉંમરના વિભીન્ન પડાવોને  ધ્યાનમાં લઈ માર્ગદર્શન આપ્યું છે.

હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.અશરફ મેમણ અને ડો.ચાર્મી પાવાણીના જણાવ્યા મુજબ મહિલાઓની ઉંમર ૨૦ વર્ષની થાય ત્યારે વ્યક્તિત્વમાં નિખાર  આવે છે, પણ ત્યારે લાપરવાહી પણ જાણે અજાણે થતી હોય છે, જો આ ઉમરે સ્વસ્થ ખાણી પીણી લેવાય તો તન મન સ્વસ્થ રહે છે. આ ઉમરે વૈવાહિક જીવન પછી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, આ સમયે અનિયમિત માસિક ધર્મ સાથે જોડાયેલા કેટલાક પડકારો પણ આવતા હોય છે. 

આ સ્થિતિમાં પ્રોટીન સમતુલા, આયર્ન તથા કેલ્શિયમ લેવાનું રાખો. અનાજ લીલી શાકભાજી મોસમી ફળો, દૂધ લેવાય, પરંતુ જંક અને પ્રોસેસફૂડથી દૂર રહેવું.  કસરત કરવી, સાથે ૨૫ વર્ષે સ્તન કેન્સરની તપાસણી પણ કરાવી લેવી. ઉપરાંત સર્વાઇકલ કેન્સરની વેક્સિન અચૂક લેવી. ૪૫ વર્ષ સુધીમાં લેવાય પણ ૯થી ૧૪ વર્ષ સુધીમાં લેવાય એ ખૂબ જરૂરી.

ત્યારબાદ મહિલાઓ માટે ત્રીસી નો દાયકો શરૂ થાય છે. આ ઉમરે ઘરની જવાબદારી વધુ હોય છે. આ એવો સમય છે કે, મહિલાઓએ ગર્ભધારણ કરવાનું આયોજન હોય તો ખાવા પીવાથી લઈ દરેક બાબતે ધ્યાન આપવું જરૂરી બને છે. ડિલિવરી પછી વજન વધી શકે, ત્યારે  વજન ઉપર નિયંત્રણ કરવું. ગર્ભ ધારણમાં સમય ફાળવી ટહેલી શકાય. 

૪૦ વર્ષ અને ત્યારબાદ બાળકો તબક્કાવાર કિશોર અને વયસ્ક થઈ રહ્યા હોય ત્યારે ચિંતા સામાન્ય રીતે વધુ હોય છે, ત્યારે પણ  સ્વાસ્થ્યને નજર અંદાજ ન કરાય કારણ કે આ ઉંમરે જ ડાયાબિટીસ, બીપીનો ખતરો વધી જાય અને  શરીરમાં કેલ્શિયમની કમી ઝડપી બને છે. જો સક્રિયતા ન હોય તો મેનોપોઝલ આર્થરાઇટિસનું જોખમ વધી શકે છે.

એવા સંજોગોમાં કેલ્શિયમ અને વિટામિન ડી ની જરૂર પડે છે. બીપી કે ડાયાબિટીસ વધુ હોય તો તબીબની સલાહ પ્રમાણે આગળ વધવું હિતાવહ છે. સર્વાઇકલ કેન્સર અને સ્ક્રિનિંગ સાથે બીજા રોગ  ડાયાબિટીસ અને બીપીની ઝાંચ કરાવવી, પેલ્વિક પેઈનની સમસ્યાને હળવાશથી ન લેવી. નિયમિત વ્યાયામ અને સમયસર અને ઉચિત માત્રામાં ઊંઘ  લેવી જોઈએ. જ્યારે વૃદ્ધત્વની દિશામાં પગલાં પડે અર્થાત ૬૦ની આસપાસ  બીમારીના જોખમને રોકી શકાતું નથી. નિયમિત ચેક અપ અને કેન્સરથી બચવા માટે ખાસ જાગૃતિ અને તેમાં જેમણે વેક્સિન ન લીધી હોય તેઓએ કેન્સરની તપાસ અચૂક કરાવી લેવી હિતાવહ છે.

Leave a comment