~ દવાઓની આડઅસર થાય તો લેખિત કે ડિજિટલી એડવર્સ ડ્રગ રિએક્શન મોનીટરીંગ કેન્દ્રને જાણ કરો
દવાઓનો ઉપયોગ આજના યુગમાં જીવનરક્ષક સાબિત થયો છે. નાના રોગોથી લઈને ગંભીર બીમારીઓ સુધી, દવાઓના કારણે દર્દીઓને રાહત મળે છે અને અનેક જીવ બચી શકે છે. પરંતુ, દરેક દવા સાથે કેટલીકવાર અનિચ્છનીય અસર થવાની શક્યતા પણ રહે છે. દવાઓ લીધા બાદ શરીરમાં કોઈપણ પ્રકારની પ્રતિકૂળ અસર (Adverse Drug Reaction – ADR) જો જોવા મળે, તો તેની જાણ કરવી અત્યંત આવશ્યક છે. આવી જાણકારીથી માત્ર દર્દીની સુરક્ષા જ સુનિશ્ચિત થતી નથી, પરંતુ સમગ્ર સમાજ માટે દવાઓની સલામતી સુધારવામાં પણ મદદરૂપ થાય છે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ “ફાર્મેકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઈન્ડિયા (PvPI)’’ દવાઓની સલામતી અંગેની માહિતી એકત્રિત કરે છે. દેશભરમાં ૧૦૦૦ થી વધારે “ADR મોનિટરિંગ સેન્ટરો (AMC)’’ આવેલ છે જે પૈકી અદાણી મેડિકલ કોલેજ પણ એક કેન્દ્ર (સેન્ટર) છે.
ભારતમાં દર વર્ષે ૧૭મી થી ૨૩ મી સપ્ટેમ્બર દરમિયાન દેશના બધા કેન્દ્રો પર ઔષધિ સતર્કતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભુજ મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો.હિરલ ગોલકિયાએ જણાવ્યું હતું કે દર્દીઓ પાસેથી મળતા દવાઓના દુષ્પ્રભાવની વિગતો એક નિર્ધારિત ફોર્મમાં ભરીને એકત્રિત કર્યા પછી પ્રાદેશિક કેન્દ્રો અને નેશનલ કોઓર્ડીનેશન સેન્ટર ગાઝિયાબાદ મોકલી આપવામાં આવે છે આ ફોર્મ ગુજરાતી, હિન્દી તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ હોય છે. ફોર્મની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે, કોઈ કાનુની વિઘ્ન નથી અને સંપૂર્ણ સુરક્ષિત છે.
આ કેન્દ્રો મારફતે આરોગ્યકર્મીઓ, દર્દીઓ તથા તેમના પરિવારજનો સરળતાથી ADR રિપોર્ટ કરી શકે છે. આધુનિક ડિજિટલ યુગમાં માત્ર ફોર્મ ભરીને જ નહીં પરંતુ અનેક સરળ રીતોથી આડઅસરની જાણ કરી શકાય છે. હવે QR કોડ સ્કેન કરીને સીધું ફોર્મ ભરી શકાય છે. સાથે જ, Interactive Voice Response System (IVRS) હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૧૮૦-૩૦૨૪* (ટોલ-ફ્રી) પર ફોન કરી અથવા વોઇસમેઇલ મુકીને પણ આડઅસર (ADR) રિપોર્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ રીતે ટેક્નોલોજીના ઉપયોગથી દર્દી તથા આરોગ્યકર્મીઓ માટે માહિતી પહોંચાડવું ઝડપી, સરળ અને વધુ અસરકારક બની રહ્યું છે.
ADR રિપોર્ટિંગ માત્ર આરોગ્યકર્મીઓની નહીં પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે. તેથી સૌએ મળીને આ અભિયાનમાં સક્રિય સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
