ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે છૂટોછવાયો વરસાદ વરસ્યો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ 108 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 જિલ્લાના 35 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો. જ્યારે ગુજરાતના કુલ 206 જળાશયોમાંથી 145 ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી 114 ડેમ સંપૂર્ણ ભરાયા છે. 

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે શુક્રવારે (19 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાગરામાં 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે સુરત સિટીમાં 1.81 ઇંચ, ભરૂચના ઝઘડિયામાં 1.14 ઇંચ વરસાદ થયો છે. આ સિવાયના અન્ય 51 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. 

ગુજરાતના કુલ 206 જળાશયોમાંથી 145 ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી 114 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 14 ડેમ ઍલર્ટ અને 16 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. 

પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો. ઉપવાસમાંથી આવી રહેલી પાણીની આવકને લઈ પાનમ ડેમની જળસપાટી 127.41 મીટરે પહોંચી છે. પાનમ ડેમ સંપૂર્ણ ભરાતા રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડાયું છે. જેમાં ડેમનો 1 ગેટ 1 ફૂટ સુધી ખોલી 1426 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. જેમાં ખેતી પાક માટે પણ પાનમ કેનાલ મારફતે 650 ક્યુસેક પાણી છોડવાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

Leave a comment