મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ

મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવાર 19 સપ્ટેમ્બરે સાંજે સુરક્ષાદળો પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. સાંજે 5.50 વાગ્યે નમ્બોલ સબાલ લાઈકાઈ વિસ્તાર પાસે અજ્ઞાત હુમલાખોરોએ આસામ રાઈફલ્સના સુરક્ષાકર્મીઓના વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. સુરક્ષાકર્મીઓનો કાફલો ઈમ્ફાલથી બિષ્ણુપુર જઈ રહ્યો હતો. 

ફાયરિંગની ઘટનામાં ભારતે બે વીર સપૂત ગુમાવ્યા છે. આસામ રાઈફલ્સના એક JCO અને એક જવાને શહીદી વહોરી છે. જ્યારે અન્ય બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પર ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે તથા આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

હાલ તો હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી પરંતુ તેમને શોધવા માટે આસામ રાઈફલ્સના જવાનો તથા સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ પહેલેથી જ પ્લાનિંગ સાથે હુમમો કર્યો હતો.

આ સિવાય જવાનોની સુરક્ષામાં કોઈ ચૂક થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા વધારવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. 

Leave a comment