જી.કે. જન. હોસ્પિ.દ્વારા નેત્રદાન સપ્તાહ સમાપન પ્રસંગે ચક્ષુદાતાઓનું કરાયું સન્માન

~ નેત્રદાન એટલે અંધકારથી ઊજાસ તરફ લઈ જતું મહાદાન

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના નેત્ર વિભાગ દ્વારા આયોજિત ચક્ષુદાન સપ્તાહના સમાપન (ગિફ્ટ ઓફ સાઈટ )પ્રસંગે ચક્ષુદાતાના પરિવારજનોનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું, તે ટાંકણે ઉપસ્થિત તમામે ચક્ષુદાનના શપથ લીધા હતા  અને  પ્રત્યેક કચ્છીજનોને ચક્ષુદાન માટે આગળ આવા અનુરોધ કરતાં મુખ્ય વક્તાએ કહ્યું કે, એક ચક્ષુદાતા બે વ્યક્તિના જીવન રંગોથી ભરી દે છે.

હોસ્પિટલના આંખ વિભાગના કેરાટોપ્લાસ્ટિ સ્પેશિયાલિસ્ટ ડો. લક્ષ્મીબેન આહિરે પોતાના પ્રેરણા સાભર ઉદ્બોધનમાં જણાવ્યું કે, ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ આંખની કોર્નિયલ બીમારી છે, જેનો એક માત્ર ઉપાય આંખની કીકીનું પ્રત્યારોપણ જ છે ,(કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ) જેના માટે દાતાના આંખની જ જરૂર પડે છે. માટે  દરેકે ચક્ષુદાન માટે અવશ્ય આગળ આવવું જોઈએ, કેમકે ચક્ષુદાતા મૃત્યુ પછી પણ અન્યના જીવનમાં ઉજાસ ભરી શકે એવું મહાદાન છે.

પ્રારંભમાં હોસ્પિટલના નેત્ર નિષ્ણાત ડો. કવિતાબેન શાહે ઉપસ્થિત દાતા પરિવાર સહિત તમામનું સ્વાગત કર્યું હતું. તેમજ ચક્ષુદાન અંગે સપ્તાહમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો. આ પ્રસંગે ગેઈમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈ, અદાણી કોલેજના ડીન ડો. એ.એન.ઘોષ, આંખ વિભાગના ડો.અતુલ મોડેસરા,નર્સિંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ચક્ષુદાન સપ્તાહની ઉજવણી (ઓગસ્ટ સપ્ટે.)  હોસ્પિટલના જુદા જુદા આઈસીયુ,વોર્ડ, તેમજ વિભાગોમાં ઉપરાંત  મંદિરો, વૃદ્ધાશ્રમ, જાહેર સ્થળો ખાતે સંવાદ કરી ચક્ષુદાનનું મહત્વ સમજાવાયું હતું.મેડિકલ વિધાર્થીઓ દ્વારા નાટક લેખન, સોશિયલ મીડિયા પર સેલ્ફી કાઉન્ટર સ્થાપિત કરીને યુવાનોને પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અભિયાનમાં દર્દીઓ, સગાંઓ, નર્સિંગ સ્ટાફ વિદ્યાર્થીઓ તથા  સમાજના વિવિધ વર્ગો સક્રિય રીતે જોડાયા હતા.

ગેઇમ્સ આઈ બેંક તરફથી નેત્રદાન માટે  અપીલ કરવામાં આવી હતી કે, મૃત્યુ પછીપણ તમારી આંખ બનશે કોઈની જીવન પાંખ.

Leave a comment