કાલે PM મોદી ભાવનગરમાં રોડ શો અને જાહેરસભા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. સવારે 10 વાગ્યા આસપાસ તેઓ ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે. અહીંથી જ ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડો રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભાવનગરમાં પીએમ મોદીના રોડ શોના રૂટ પર આજે પોલીસ દ્વારા રિહર્સલ કરાયું હતું. તેમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તેમજ પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પીએમ મોદી શનિવારે ભાવનગર પધારશે. અહીં સવારના 10 વાગ્યાના અરસામાં રોડ શો યોજશે. રોડ શો પૂર્ણ થયા બાદ જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે. ભાવનગરના કાર્યક્રમમાં જ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડો રૂપિયાનાં વિકાસકામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

વડાપ્રધાનની સુરક્ષાને લઇ ભાવનગર શહેર પોલીસછાવણીમાં ફેરવાઇ ગયું છે. સુરક્ષામાં કોઇ ચૂક ન રહે એને લઇને ભાવનગર પોલીસતંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરાઈ રહી છે. એરપોર્ટથી લઇ જવાહર મેદાન સુધી સમગ્ર રૂટ પોલીસછાવણીમાં ફેરવાયો છે. ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર સહિત રેલવે પોલીસ બોલાવાઇ છે અને 4 જેટલા એડિ. ડીજી અને આઇજી કક્ષાના અધિકારી સહિત 4 હજારથી વધુ પોલીસકર્મી તહેનાત રહેશે. છ સેક્ટરમાં થ્રી લેયર પોલીસ-બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન 11 જેટલા એસ.પી., 23 ડીવાયએસપી, 60 પીઆઇ, 155 પીએસઆઇ, 2400 પોલીસકર્મી, 1000 હોમગાર્ડ, 8 ટીમ બોમ્બ-સ્કવોડ, 2 કંપની SRP બંદોબસ્ત માટે તહેનાત રહેવાની છે.

વડાપ્રધાનના આગમનને લઈ તમામ અણઉકેલ સમસ્યાઓનો ઉકેલ પણ આવી જાય છે એમ એરપોર્ટ રોડથી રૂપાણી સર્કલ સુધી આસપાસના તમામ વિસ્તારોમાંથી રખડતાં ઢોર અને કૂતરા પકડવાનું કોર્પોરેશન દ્વારા બે-ત્રણ દિવસથી અભિયાન ચાલુ છે. બે જ દિવસમાં આ વિસ્તારમાંથી 40 રખડતાં ઢોર અને 35 કૂતરાને પકડી પૂરી દીધાં છે. 20મીએ વડાપ્રધાનનો રૂટ અને જવાહર મેદાન આસપાસના વિસ્તારોમાં રખડતાં ઢોર ઘૂસી ન જાય એ માટે ઢોર પકડવાની ટીમ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 30 જેટલા કર્મચારી સહિત કુલ 58 કર્મચારીની ટીમ હાથમાં દંડા સાથે તહેનાત રહેશે.

શહેરના નાગરિકોમાં વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહનો માહોલ છે અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. શહેરમાં ક્રેસન્ટ સર્કલ સહિતનાં સર્કલોએ નયનરમ્ય રોશની કરવામાં આવી છે. ક્રેસન્ટ સર્કલ, નીલમબાગ સર્કલ, સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, મહિલા કોલેજ સર્કલ સહિતનાં સર્કલોને રોશનીથી શણગારવામાં આવ્યાં છે.

છારા પોર્ટ ખાતે એચપી એલએનજી ટર્મિનલ 4,700 કરોડ, ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક, ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ 5,894 કરોડ, સુરેન્દ્રનગરમાં 400 મેગા વોટના સોલર પ્રોજેક્ટના 1,500 કરોડના, પાટણ ખાતેના 200 મેગા વોટના પ્લાન્ટના 1,050 કરોડનાં કામ, ભાવનગર ખાતે સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, એમસીએચ બ્લોક બનાવવા માટે 584 કરોડનાં કામો, ભાવનગરના કુંભારવાડાના 84 કરોડના 45 એમએલડીના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 134 કરોડના શાસ્ત્રીનગર-દેસાઇનગર ફ્લાયઓવર અને કુંભારવાડા અવેડાથી દસનાળા સુધીના 29 કરોડના ચાર માર્ગીય રોડ તેમજ ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (બાડા)ના 46 કરોડનાં વિવિધ કામો સહિત ગુજરાત સરકારના 27,138 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. શિપિંગ-મેરીટાઇમ સંબંધિત 1.50 લાખ કરોડના પ્રકલ્પો, પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત-લોકાર્પણ અને અન્ય MOU થશે, અલંગના વિકાસનું મોડલ રજૂ કરાશે, સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, MCH બ્લોક બનાવવા માટે કામોની ઘોષણા કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલાં વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે.

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્રશક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરીટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે એમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે.

મોદી તેમના દોઢ કલાકના ભાવનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન સાગરમાલા 2.0ના 75,000 કરોડની, શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડના 25,000 કરોડ, શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટના, વારાણસી અને કોલકાતામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2,700 કરોડની ઘોષણા કરવાના છે. આ ઉપરાંત તેઓ 150 મિલિયન ટન પ્રતિ વર્ષની ક્ષમતાવાળા નવા મેજર પોર્ટ બહુદા પોર્ટની ઘોષણા, 35,000 એકર સોલ્ટની જમીન પર મેરીટાઇમ સંબંધિત ઔદ્યોગિકીકરણ માટેનાં વિકાસકામોની ઘોષણા કરશે.

ભાવનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દ્વારા VO ચિદમ્બરમરનાર પોર્ટ ઓથોરિટી તૂટીકોરિનના અપગ્રેડેશન, ડેવલપમેન્ટના 41 કરોડનાં કામો, શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ઓથોરિટીના 7માં અને 8માંના મજબૂતીકરણ અને આધુનિકીકરણ માટે રૂપિયા 698 કરોડ, તથા આ જ પોર્ટના વોટર એરિયાની હસ્તાંતરિત પ્રક્રિયા, ફ્લોટિંગ એલએનજી ટર્મિનલ બનાવવા માટે રૂપિયા 260 કરોડ- આઉટર કન્ટેનર ટર્મિનલ અને 1 નંબરના બર્થના વિકાસ-નવીનીકરણ માટે 846 કરોડ, પારાદીપ પોર્ટ ઓથોરિટીના સાઉથ કન્ટેનર બર્થના વિકાસ માટે 477 કરોડ, સાઉથ ક્વે બર્થ માટે 499 કરોડ, બહુહેતુલક્ષી મિકેનીઝમ માટે 631 કરોડ, નોર્થ ડોક કોમ્પ્લેક્સના ડ્રાય કાર્ગો હેન્ડલિંગ માટેના બર્થ માટે 683 કરોડ, કમરજાર પોર્ટ લિમિટેડમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે 25 કરોડ, કોલસાના યાર્ડથી ડોક સુધીના સિમેન્ટ કોંક્રીટ રોડ માટે રૂપિયા 58 કરોડ, ચેન્નઇ પોર્ટ ઓથોરિટીના 850 મીટરના કોસ્ટલ બર્થના રિપેરિંગ-મજબૂતીકીકરણ માટે 33 કરોડ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં સિક્યોરિટી-સર્વેલન્સ માટે અને એન્ટી ડ્રોન ટેકનોલોજી સિસ્ટમ માટે 74 કરોડની ઘોષણા કરશે.

આ ઉપરાંત ગ્રીન બાયો મિથોનલ પ્લાન્ટ માટે 80 કરોડ, તૂણા ટેકરાની સામે બહુહેતુલક્ષી કાર્ગો બર્થના વિકાસ માટે 1719 કરોડ તેમજ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ બનાવવા માટે 62 કરોડ, ઓઇલ જેટી નં.9 બનાવવા માટે 98 કરોડ, કોમન કનેક્ટિવિટી પ્લેટફોર્મ 8થી 11ના નિર્માણ માટે 98 કરોડ, પડાણા ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લોટની રોડ કનેક્ટિવિટી માટે 61 કરોડ, ગાંધીધામ ખાતે નવા ગેસ્ટ હાઉસ બિલ્ડિંગ માટે 25 કરોડ, કાર્ગો બર્થ 16ના અપગ્રેડેશન માટે 66 કરોડ, બર્થ નં.15ના બેકઅપ એરિયાના અપગ્રેડેશન માટે 68 કરોડ, 11 અને 12મા બર્થના અપગ્રેડેશન માટે 48 કરોડ, આંદામાન અને લક્ષદ્વીપ હાર્બર કામ માટે 43 કરોડ તેમજ વારાણસીમાં શિપ રિપેર ફેસિલિટી માટે 300 કરોડ અને વારાણસીમાં ફ્રેટ વિલેજ બનાવવા માટે રૂપિયા 200 કરોડ અને મુંબઇ પોર્ટ ઓથોરિટીમાં ઇન્દિરા ડોક ખાતે ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ બનાવવા માટે 303 કરોડનાં કામોની ઘોષણા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરવાના છે.

Leave a comment