પટણા હાઈકોર્ટે બિહાર કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે કોંગ્રેસને એઆઈથી મદદથી બનાવવામાં આવેલો વડાપ્રધાન મોદી અને તેમની માતાનો વીડિયો ડિલિટ કરવા નિર્દેશ આપ્યો છે. હાલમાં જ કોંગ્રેસે વડાપ્રધાન મોદી અને તેમની દિવંગત માતા હીરાબાનો એઆઈ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ મામલે સુનાવણી કરતાં આજે 17 સપ્ટેમ્બરે પટણા હાઈકોર્ટે કોંગ્રેસની ઝાટકણી કાઢતા મુખ્ય કાર્યકારી ન્યાયાધીશે કોંગ્રેસને સોશિયલ મીડિયા પરથી આ વીડિયો ડિલિટ કરવા આદેશ આપ્યો છે.
બિહાર કોંગ્રેસે સોશિયલ મીડિયા X પર એક વીડિયો રજૂ કર્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સપનામાં પોતાની દિવંગત માતાને જુએ છે, તેમના માતા બિહારમાં પીએમ મોદીની રાજનીતિની ટીકા કરતાં સલાહ આપતા જોવા મળે છે.
વીડિયો વાઈરલ થતાં ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાજપે તેને શરમજનક ગણાવ્યું હતું. આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા આપી હતી કે, વીડિયોમાં વડાપ્રધાન કે તેમની માતા પ્રત્યે કોઈ અનાદર કે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી નથી. કોંગ્રેસ નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે, તમને શું આપત્તિ છે? વીડિયોમાં એક માતા પોતાના પુત્રને સાચો માર્ગ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમાં કોઈ અનાદર કે અપમાન નથી.
