~ દારૂ જ નહીં ગાંજો, ભાંગ, અફીણ, ડોડવા, તમાકુ વગેરેનું વ્યસન હોય તો છોડવા તબીબ સાથે વાત કરો
દારૂની એક વખત લત લાગી જાય પછી છોડવી મુશ્કેલ બની જાય છે, પરંતુ અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે છેલ્લા છ મહિનામાં આવા ૫૧ બંધાણીઓને દારૂના દૈત્યથી છુટકારો અપાવ્યો છે અને હવે તેઓ બરોબર સમજતા થયા છે કે, દારૂનું એક ટીપું તેમને વિનાશ તરફ બે ડગલા લઈ જાય છે.
હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડો. રિદ્ધિ બેન ઠક્કરે કહ્યું કે, આ તમામ ૫૧ દાખલ દર્દીઓને મનોચિકિત્સા વોર્ડમાં દાખલ કરી,સારવાર અને કાઉન્સેલિંગ દ્વારા વ્યસન મુક્ત કરાયા હતા. ઘણા એવા દર્દીઓ છે જેઓ દારૂ છોડવા ચાહે છે, પણ છોડી શકતા નથી તેમને પણ આ જ વિભાગમાં વ્યસન મુક્તિ માટે રાખવામાં આવે છે.વ્યસન મુક્તિ માટે દર ગુરુવારે સ્પેશિયલ ઓપીડી મનોચિકિત્સા વિભાગમાં જ રાખવામાં આવે છે.જેમાં પણ બંધાણીઓ સારવાર લેવા આવતા હોય છે.
અહીં માત્ર દારૂ જ નહીં ગાંજો, ભાંગ, અફીણ, ડોડવા, તમાકુ વગેરે વ્યસનમાંથી મુક્ત કરાવવા માટે અનેકવિધ તબીબી સારવાર સાથે માનસિક પ્રયાસો પણ કરવામાં આવે છે એમ મનોચિકિત્સક ડો.નીરવ ચાંપાએ જણાવ્યું હતું.
વ્યસન છોડાવાના કાર્યમાં રેસિ.ડો. બંસીતા પટેલ, ડો. કંગના દેસાઈ, ડો.નિસર્ગ પરમાર, ડો. યેશા કલ્યાણી, ડો.ખુશી ગણાત્રા અને ડો. હર્ષ ગોધાણી મદદરૂપ રહ્યા છે, જ્યારે હેતલબેન ગોહિલે સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. તબીબોના જણાવ્યા મુજબ દારૂનું વ્યસન વ્યક્તિ અને સમાજ માટે ગંભીર અને સામાજિક સમસ્યા બની ગઈ છે. જેની પારિવારિક, આર્થિક અને સામાજિક સંબંધો પર વિપરીત અસર પડે છે. શારીરિક રીતે પણ તે લિવરથી મગજ સુધી વ્યાપક રીતે દુષ્પ્રભાવ ઊભો કરે છે.
વ્યક્તિને દારૂનું વ્યસન છે, એ કેમ જાણી શકાય એ અંગે તબીબોના જણાવ્યા મુજબ દારૂ પીવાની તીવ્ર ઈચ્છા, વધારે માત્રામાં તથા લાંબો સમય સુધી દારૂનો ઉપયોગ કરવો,દારૂ મેળવવા અથવા તેની ઘાતક અસરોમાંથી બહાર નીકળવામાં દિવસો પસાર કરવા. ઉપરાંત અસ્થિર વાણી અને વ્યવહાર મુખ્ય છે. જ્યારે શારીરિક લક્ષણોમાં કમજોરી, કંપન, ધડકન વધવી, પસીનો, શિરદર્દ અને થકાન જણાય છે. દારૂની લત લાગી હોય તો તબીબનો સંપર્ક કરવો જરૂરી છે.
નશો છોડશો તો ફાયદામાં રહેશો:
એક વાર દારૂ કે કોઈ નશાની કુટેવ છૂટી જાય તો અગણિત ફાયદા થાય છે. જેમ કે, દારૂથી લીવરને થયેલું નુકસાન ઓછું થશે, હૃદયનું સ્વાસ્થ્ય સુધરશે, કેન્સરનું જોખમ ઘટશે, હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે, લીવર સુધરશે, સવારે જાગવા સાથે ફ્રેશ રહેવાશે, થાક ઓછો લાગશે, રાત્રે ઊંઘ સારી આવશે, યાદ શક્તિ વધશે, વજન વધારે હોય તો ઘટાડવામાં મદદ કરશે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે, નિર્ણય લેવામાં સરળતા જેવા અનેક ફાયદા રહેલા છે.
