~ ચોટ કે દુર્ઘટનામાં તત્કાલ પ્રાથમિક સારવાર મળી જાય તો તે જીવન રક્ષક પણ સાબિત થાય
માનવીના જીવનમાં કોઈપણ ક્ષણે આરોગ્યની ઇમરજન્સી ઊભી થઈ શકે છે, ત્યારે હોસ્પિટલ પહોંચવાથી પહેલા જે સારવાર પૂરી પાડવામાં આવે તે પ્રાથમિક સારવાર છે. આ પ્રક્રિયાને ફર્સ્ટ એડ કહેવામાં આવે છે. જો પ્રાથમિક સારવારની જાણકારી હોય તો જીવ બચાવવામાં કે આગળની મેડિકલ સેવા તત્કાળ પૂરી કરવામાં મદદરૂપ બની શકે છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના તબીબોએ (દ્વિતીય શનિવાર સપ્ટે.)૧૩ મી સપ્ટે.ના રોજ ઉજવાતા પ્રાથમિક સારવાર દિન નિમિતે કહ્યું કે, રક્તસ્ત્રાવ નિયંત્રણ, સીપીઆર, દાઝી જવાની ઘટના, હાડકાની ઈજા, સાપ ઝેરી જંતુ કરડવો, મોચ આવવી, વીજ કરંટ લાગવો, ડૂબી જવાની ઘટના વગેરે આમાં મુખ્ય બાબત છે.
ઘણીવાર એવું બનતું હોય છે કે, કોઈને નાની મોટી ઈજા થાય તો કોઈપણ વ્યક્તિ ગભરાઈ જાય છે અને શું કરવું એ સમજ પડતી નથી માટે પ્રાથમિક સારવારમાં શાંત રહેવું એ પ્રથમ શર્ત છે. જેથી, માર્ગ મળી આવશે. જેમકે જો કોઈને એકાએક શ્વાસ લેવામાં તકલીફ થાય અને બેહોશ થઈ જાય તો તુરંત ૧૦૮ બોલાવી સીપીઆર ચાલું કરવું. આ ઉપરાંત કોઈને છાતીમાં દુખાવો થાય, બોલવામાં ફેરફાર, હાથપગમાં કમજોરી મહેસુસ થાય તો તાત્કાલિક નજીની હોસ્પિટલમાં લઈ જવાય એ જ હિતાવહ થાય કેમકે એ લકવાના લક્ષણ હોઈ શકે.
ઉપરાંત કોઈપણ વખતે ઇજા થઈ શકે અને રક્તસ્ત્રાવ થવા લાગે તો ઘાવને કસીને બાંધી દેવો. દાઝી જવાના બનાવમાં એ ભાગને ૧૦- ૧૫ મિનિટ ઠંડા પાણીમાં રાખવો. બરફ અને ટૂથપેસ્ટ લગાવવાથી દૂર રહેવું. જો હાડકામાં ઇજા જેવું લાગે તો, વ્યક્તિને સ્થિર રાખી બિનજરૂરી કોઈ પણ પ્રયત્ન કરવાને બદલે નજીકની હોસ્પિટલ પહોંચી જવું. જો સુજન હોય તો બરફનો શેક કરી શકાય.
ઝેરી જંતુ કરડવાના બનાવો અનેક બને છે તેવામાં મોડું કરતા પહેલાં દર્દીને લઈ હોસ્પિટલ જ પહોંચવું.
એટલે જ ડિજિટલ યુગમાં પ્રાથમિક સારવાર વર્તમાન મેડિકલ સમયની માંગ પણ છે. માટે જ ઘર, ઓફિસ,શાળા અને કામના સ્થળે ફર્સ્ટ એડ બોક્સ ની જરૂર હોય છે. આ બોક્સમાં જરૂરી ચીજ વસ્તુ જેવી કે, બેન્ડેજ પટ્ટી, એન્ટિસેપ્ટિક ક્રીમ, તાવ અને માથાની દવા, એસીડીટીની ટેબલેટ ઝાડાની દવા, દર્દ નિવારક સ્પ્રે, ગરમ પટ્ટી, બર્નર, ડેટોલ, અને બેક્ટેરિયલ ક્રીમ રાખી શકાય.જે બોક્સમાં આ દવા હોય એ બોક્ષ ઉપર લાલ ચોકડી લગાવી દેવી જેથી કોઈપણ શોધી શકે.
