13 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કર્યું હતું, જેને આગળ ધપાવવા ભૂપેન્દ્ર પટેલે સતત, અથાગ અને અવિરત પ્રયત્નો કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરી છે. ગત ચાર વર્ષોમાં ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે અને રાજ્યના જન-જન સુધી તેના લાભ પહોંચાડ્યા છે.
15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ BJPમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2008-2010 સુધી તેમણે AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી 2010-2015 દરમિયાન થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી.
2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં અને રાજ્યની વિકાસયાત્રાની શાસનધુરા સંભાળી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
આ ચાર વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી.
મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર આચરતા લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે માનનીય મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ ઉપરાંત જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સામાન્ય જનતાના હિતમાં રાજ્ય સરકારે વીજળીના દરમાં તાજેતરમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે, જે થકી રાજ્યની સામાન્ય જનતાને ₹400 કરોડનો ફાયદો થશે.
આ સાથે જ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રીએ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે તેમજ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે.
