પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં 5-5 કરોડ રૂપિયાની સહાયના ચેક મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર પીડિત માટે રાજ્ય સરકાર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભરેલી ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી પંજાબ મોકલમાં આવી છે. બીજી તરફ ટ્રકમાં 3300 જેટલી રાશન કીટ અસરગ્રસ્તો માટે બનાસકાંઠાના સુઈગામ મોકલવામાં આવી છે.
પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની વિશેષ રાહત ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી છે. તેમાં લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી જીવન જરૂરી વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની,10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં છઠ્ઠીથી સાતમી સપ્ટેમ્બરે પડેલો 19 ઈંચ વરસાદે વિનાશ વેર્યો છે. જિલ્લામાં વર્ષ 2015 અને 2017ના પૂર કરતા પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદના ચાર દિવસ બાદ પણ સુઈગામ તાલુકામાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જઈ ન શકાય તેવી સ્થિતિ છે. ત્યારે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પાલનપુરથી સુઈગામમાં અસરગ્રસ્તો માટે કીટના ટ્રક રવાના કરવામાં આવ્યા છે. 15 કિલોની એક એવી 3300 જેટલી કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વાવ, સુઈગામ, અને થરાદના અસરગ્રસ્ત ગામોમાં ઉપર આકાશ અને નીચે પાણી જેવી સ્થિતિ છે. સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકામાં 19 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અચાનક પાણી આવી જતા લોકો જીવ બચાવવા માટે ઘર છોડીને દોટ મૂકી હતી. લોકોએ ઉચાણવાળા વિસ્તારમાં આવેલી શાળાઓ, આગણવાડી કેન્દ્રો અને કચેરીઓમાં આશરો લીધો હતો. કેટલાક લોકોએ ધાબા પર આશરો મેળવ્યો હતો.
