અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રફ ટેરિફ મામલે સતત દબાણ કરવા છતાં અને ભારતથી આયાત થતા માલસામાન પર 50 ટકા સુધી વધારાના ટેરિફ લાદવા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે, ભારત રશિયા પાસેથી ખરીદી ચાલુ રાખશે અને ઉર્જા સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતના આધારે લેવાય છે. અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ પર 25 ટકાનો વધારાનો ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે ભારત પરનો કુલ ટેરિફ 50 ટકા થયો છે.
સીતારમણે (Nirmala Sitharaman) એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ (India-Russia Crude Oil Import) ખરીદવાનું ચાલુ રાખશે. આપણી જરૂરિયાત મુજબ ક્યાંથી તેલ ખરીદવું તે આપણે નક્કી કરવાનું છે. આ નિર્ણય દેશના હિતના આધારે લેવામાં આવશે. રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત હોય કે બીજું કંઈ… અમે કિંમતો, લોજિસ્ટિક્સ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આપણી જરૂરિયાતો મુજબ નિર્ણય લઈશું. તેલ ખરીદવું વિદેશી મુદ્રા સાથે સંબંધિત બાબત હોવાથી અમે અમારી સુવિધા પ્રમાણે નિર્ણય લઈશું.’
નાણામંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન પરના યુદ્ધને વેગ આપવાનો ભારત પર આરોપ લગાવી રહ્યા છે. આ કારણે, અમેરિકાએ 27 ઓગસ્ટથી ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે આગામી મહિનાઓમાં વધુ પ્રતિબંધો ઝિંકવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે, તો તેને દંડ ચૂકવવો પડશે. આના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે GST દરોમાં થયેલા સુધારાથી ટેરિફના દબાણને ઘટાડવામાં મદદ મળશે.
