રાજ્ય સરકારે યુનિટદીઠ ફ્યૂઅલ સરચાર્જ 15 પૈસા ઘટાડ્યો

ગુજરાત સરકારે ફયૂઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે ફ્યૂઅલ સર ચાર્જ 2.45થી ઘટીને યુનિટનો દર 2 રૂપિયા 30 પૈસા થઈ જશે. આમ, 100 યુનિટના વપરાશ પર રૂ.15નો ફાયદો થશે.

નાણાં મંત્રી કનુદેસાઈએ જણાવ્યું કે, 1 જુલાઈ-2025થી આ ઘટાડો લાગુ થશે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL,DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 01 જુલાઈ 2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. 2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ.400 કરોડથી વધુનો લાભ થશે.

વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પર્ચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારની સક્રિયતા દર્શાવે છે.

નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં કોમ્પોસેશન સેસ તથા GST ઘટાડવા અંગે ચર્ચા થઈ હતી. 2017થી 2022 સુધી કોમ્પોસેશન સેસ લાગુ હતી. તેમાં જે જે રાજ્યોને કોમ્પોસેશન આપવાનું હતું. પરંતુ કોરોનાને કારણે ટેક્સની આવક ઘટી હતી એટલે કોમ્પોસેશન સેસ લંબાવવામાં આવી હતી. પરંતુ હવે ઓક્ટોબર-2025થી બંધ કરવામાં આવશે. આગામી બે દિવસમાં જીએસટી કાઉન્સિલની બેઠક છે, જેમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે.

Leave a comment