~ જી. કે. જન. હોસ્પિટલના મેડિ. વિભાગના તબીબોએ આપ્યા દર્દ નિવારક દવાના દુષ્પ્રભાવ અને સાવધાની
હોસ્પિટલની ઓપીડીમાં એક બાબત સામાન્ય બની ગઈ છે કે દર્દી એમ કહેતો સંભળાશે કે “દુખાવાની દવા લીધી છે”. જાતે ડોક્ટર બની બેસવાની અને પ્રાથમિક રીતે પોતાનો ઉપચાર કરવાની ઘણાને ટેવ પડી ગઈ હોય છે, જે કદાચ ક્ષણવાર રાહત આપે પણ તેનો દુષ્પ્રભાવ ખતરનાક હોય છે. ફ્ક્ત દર્દ નિવારક દવાઓ જ નહીં કોઈપણ દવા લાંબી જહેમતને અંતે શોધ – સંશોધન અને અનેકવિધ પ્રયોગમાંથી પસાર થયા બાદ જ તેનો ઉપયોગ શક્ય બને છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોના જણાવ્યા મુજબ આ દવાઓનો ઉપયોગ રોજ – બ – રોજ વધતો જાય છે. હવે તો મોટાભાગે ઘરમાં, પર્સમાં, ખિસ્સામાં, ટેબલના ખાનામાં કે ગમે ત્યાં જોવા મળે છે. આવી દવાઓનો ઈસ્તમાલ વધી ગયો છે. દર્દ નિવારક દવા સહિત કોઈપણ દવાનો પ્રયોગ દર્દીની શારીરિક સ્થિતિ, દર્દના પ્રકાર અને તેમની શારીરિક સંવેદનશીલતા ઉપર નિર્ભર કરે છે.એમ મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભાટે જણાવ્યું હતું.
મેડિસિન વિભાગના અન્ય તબીબો પ્રોફે.ડો.કશ્યપ બુચ અને એસો.પ્રોફે.ડો. યેશા ચૌહાણે વધુ વિગત આપતા ઉમેર્યું કે,આ દવાઓનો જાતે ઉપયોગ કરવાને બદલે તબીબોની સલાહથી જ કરવો જોઈએ, કેમકે ડોક્ટર જ દર્દીના દર્દને આધારે ચોક્કસ દવાની માત્રા નક્કી કરે છે.અને એ માત્રા નક્કી કરવાનું કામ દર્દીનું નથી.
એક વૈશ્વિક સંશોધન અનુસાર કમર દર્દ અને હાડકાં તથા સ્નાયુના રોગ,માથું દુખવું,દાંતનો દુખાવો વિગેરેના દર્દોમાં સામાન્ય બની ગયો છે,ત્યારે તેમાંથી કામચલાઉ રાહત મેળવવા દર્દી પેઈન કિલર દવાઓ લઈ લે છે.તેનાથી શારીરિક પ્રક્રિયાનું સંચાલન તો વિક્ષેપિત થાય છે,પણ લાંબા ગાળે માનસિક આરોગ્ય પણ છિન્ન ભિન્ન થઈ જાય છે.
દર્દ નિવારક દવાના દુષ્પ્રભાવ અને સાવધાની:
દર્દ નિવારક દવાના દુષ્પ્રભાવ અનેક છે. જેમકે સજાગતા કે સમજ્યા વિના લેવાય તો પ્રથમ તો કીડની પર અસર કરે છે.હિમોગ્લોબીન ઓછું થાય, એસિડિટી અને પેટમાં ચાંદા પડી શકે,લીવર પ્રભાવિત થાય, ત્વચાને પણ અસર થઈ શકે છે. ઉપરાંત શરીરમાં પાણીની માત્રા ઘટાડે છે. ડો.જયંતી સથવારાએ સાવચેતી અંગે કહ્યું કે, હાર્ટ, કીડની અને લિવરની બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી. દવાના પેકેટ ઉપર લખેલા સૂચનોની અવગણના કરવી નહીં.
