અદાણી ફાઉ.ની હરિયાળી પહેલ: નાની ખાખરમાં મિયાવાકી પદ્ધતિથી જંગલનું સર્જન

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા અવિરત કાર્ય કરી રહ્યું છે, આજે, માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં એક ઐતિહાસિક વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ થયો, જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું પગલું છે.

આ પ્રોજેક્ટ હેઠળ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લી ના સહયોગ થી  નાની ખાખર ગામે પહેલાં  મિયાવાકી પદ્ધતિથી 8000 વૃક્ષોનું ગાઢ જંગલ ઉભું કર્યું છે. તદુપરાંત આજે વધુ 5000થી વધારે વૃક્ષોનું વાવેતર કરીને ગામના મધ્યમાં એક લીલુંછમ જંગલ આકાર લેશે. આ પહેલ નાની ખાખરની કાયાપલટ કરશે અને તેને પર્યાવરણ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનાવશે.

અદાણી ફાઉન્ડેશન, સ્થાનિક ગ્રામજનો, સમાજના આગેવાનો અને પંચાયત સમિતિના સહયોગથી આ વૃક્ષારોપણ અભિયાન નુ મુર્હત કરવા મા આવ્યુ હતુ. આ જંગલમાં 40થી વધુ પ્રકારનાં પ્રાદેશિક વૃક્ષો, ફૂલોના છોડ, વેલીઓ, ફળઝાડો અને આયુર્વેદિક વનસ્પતિઓનું વાવેતર થશે. ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ અને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષોનો ઝડપી વિકાસ થશે. આ જંગલ માત્ર ઓક્સિજન પાર્ક તરીકે જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે પણ ખીલશે.

આ પ્રસંગે ગામની 21 દીકરીઓના હાથે વૃક્ષારોપણનો પ્રારંભ થયો, જે આ કાર્યને વધુ યાદગાર અને પ્રેરણાદાયી બનાવે છે. ગામના સરપંચ, આગેવાનો, શાળાઓના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ પરિસરને પક્ષીઓના કિલકિલાટથી ગુંજતું લીલુંછમ જંગલ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેને જણાવ્યું, “નાની ખાખરમાં ત્રીજા જંગલની શરૂઆત અમારા માટે ગૌરવની ક્ષણ છે. ગ્રામજનોના સહયોગથી આવાં વૃક્ષ મંદિરો ઊભાં કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ.”

આજે આ વનીકરણ પરિસરને લીલી ઝંડી બતાવી ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પહેલ નાની ખાખરને માત્ર હરિયાળું જ નહીં, પરંતુ પર્યાવરણપ્રેમીઓ અને પ્રકૃતિ ઉત્સાહીઓ માટે એક નવું ગૌરવસ્થાન બનાવશે.

Leave a comment