ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્ટુડન્ટની હિંસક ઘટના સામે આવી રહી છે. જેમાં અમદાવાદમાં એેકે બીજાની હત્યા કરી હતી. તો મહિસાગરના બાલાસિનોરમાં પણ એક વિદ્યાર્થી પર બીજાએ હુમલો કર્યો હતો. તેવામાં હવે કોલેજના પ્રિન્સિપાલ પર સ્ટુડન્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લાના આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સોમવારે બપોરે એક ચોંકાવનારી ઘટના બની હતી. કોલેજના પ્રિન્સિપાલ સુશીલ ધરમાનીને એક વિદ્યાર્થીએ જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જ્યારે આજે એક હજાર જેટલા સ્ટુડન્ટ પ્રિન્સિપાલના સમર્થનમાં રસ્તા પર ઉતાર્યા હતા. તેઓએ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી કાર્યવાહીની માગ કરી હતી.
ઘટના કોલેજની પાછળના પાર્કિંગ એરિયામાં બની હતી, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ અસભ્ય રીતે બેઠા હોવાની ફરિયાદ મળી હતી. પ્રિન્સિપાલ સુશીલ ધરમાની ત્યાં પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ત્યાંથી જવાનું કહ્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રિન્સિપાલ કંઈ સમજે એ પહેલા જ થપ્પડ મારી દીધી હતી. પ્રિન્સિપાલ પર આ અણધાર્યા હુમલાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાવી છે.
ઘટનાની જાણ થતાં મંગળવારે લગભગ 1000 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રિન્સિપાલના સમર્થનમાં એકત્ર થયા હતા. આદિપુર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી હતી, તેઓએ આ ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. પ્રિન્સિપાલના સમર્થનમાં વિદ્યાર્થીઓના આક્રોશને કારણે સમગ્ર વિસ્તારમાં હુમલો કરનાર સ્ટુડન્ટ પર ફિટકાર વરસી રહી છે.
કોલેજના અધિકારી લક્ષ્મણ લાલવાણીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આદિપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી આ મામલે કોઈ ફોર્મલ ફરિયાદ નોંધાઈ નથી. તેમ છતાં, પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના માત્ર એક કોલેજ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવાની અને શિક્ષણ સંસ્થાઓમાં શિસ્ત જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
