જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ સહિતના જિલ્લામાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે. બીજી તરફ ખરાબ વાતાવરણ અને ભૂસ્ખલનના કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવાઈ છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. જમ્મુના અનેક જિલ્લાએમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
મંગળવારે અર્ધકુંવારી નજીક ભૂસ્ખલનની ઘટના બની છે. જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દરરોર મા વૈષ્ણોદેવીના દરબાર તરફ જાય છે. જોરદાર ધમાકાની સાથે કાટમાળ અને મોટા પથ્થર રોડ પર આવી પડ્યા. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓના ઇજાગ્રસ્ત થવાની શક્યતા પણ દર્શાવાય રહી છે. હાલ ટ્રેક પર હાજર શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરાઈ રહી છે. સ્થાનિક તંત્ર અને પોલીસની સાથો સાથ NDRFની ટીમ પણ ઘટના સ્થળે એલર્ટ મોડ પર છે. મળતી માહિતી અનુસાર, સ્થિતિ સામાન્ય થયા બાદ વૈષ્ણોદેવી યાત્રા ફરીથી શરૂ કરાશે.
અહેવાલો અનુસાર, સતત ભારે વરસાદને કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલન, પથ્થરો પડવાના બનાવો પણ નોંધાયા છે, જેના કારણે ઘણાં રોડ બંધ કરાયા છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં ઘણાં નાના પુલ પણ ધોવાઈ ગયા છે. પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જિલ્લામાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને વહીવટીતંત્ર સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલ છે.
રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદની સાથે જમ્મુમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાવી નદીમાંથી આવતું પૂર રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. જમ્મુમાં નદી કિનારાના ઘણાં વિસ્તારો ડૂબી ગયા છે અને કોઈપણ નુકસાનથી બચવા માટે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવી દીધા છે.
વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ ગંભીર છે. વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાથી 65 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ગુમ થયા હતા. તે અકસ્માતમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણાં શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ અને દુકાનો ધોવાઈ ગઈ હતી.
