અમદાવાદમાં ચકચારી મચાવનાર સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં એર ચોંકાવનારો વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં શાળાને આરોપી બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ મેનેજમેન્ટને સત્તાવાર રીતે આરોપી બનાવવા માટે કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. હકીકતમાં કેસની તપાસ કરનારા અધિકારીઓને આ કેસમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારી જોવા મળી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તપાસ અધિકારીઓનું માનવું છે કે, વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર ઝઘડો થયું હોવાનું સામે આવ્યું હતું અને એવા પણ સંકેત મળ્યા હતા કે, આ ઝઘડો હજુ થઈ શકે છે. તેમ છતાં શાળા આ અંગે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે મહિના પહેલાં શરૂ થયેલા આ વિવાદે છેલ્લે હત્યાનું રૂપ લીધું હતું. તેથી ક્રાઇમ બ્રાન્ચ શાળાને ગંભીર બેદરકારી માટે જવાબદાર ગણવા માટેની કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે સગીરની ધરપકડ કરી છે.
જો કોર્ટ દ્વારા આ અંગે મંજૂરી આપવામાં આવે છે, તો શાળાના મેનેજમેન્ટની મુશ્કેલી વધી શકે છે. શાળાએ આ કેસમાં ગંભીર બેદરકારીના આરોપોનો સામનો કરવો પડશે, જે આ હાઇ પ્રોફાઇલ કેસને એક નવો વળાંક આપશે. આ પગલાંથી તપાસ એજન્સીઓ માટે કેમ્પસની અંદર અને બહાર હિંસક ઘટનાઓમાં સંસ્થાઓની જવાબદારીની તપાસ કરવાનો માર્ગ પણ મોકળો બનશે. આ અંગે કોર્ટના નિર્ણય મુજબ આગળવની તપાસને વેગ આપવામાં આવશે.
અમદાવાદમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
