અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં ધનુર (ટીટેનસ) થઈ જવાને કારણે બેભાન અને ગંભીર અવસ્થામાં જ અન્ય હોસ્પિટલમાંથી અત્રે આવેલા યુવાનને ૪૦ દિવસની લાંબી ICU કક્ષાની સઘન સારવાર આપી મેડિસિન વિભાગે બચાવી લીધો હતો.
હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભાટના માર્ગદર્શન હેઠળ ડો.યેશા ચૌહાણે સફળ સારવાર કર્યા બાદ જણાવ્યું હતું કે,વાગડ વિસ્તારના આધોઈ ગામના યુવાન ભગવાની વાસ્તાનીને અન્ય હોસ્પિટલમાંથી અત્રે લાવવામાં આવ્યો, ત્યારે વેન્ટિલેટર ઉપર અને ગંભીર અવસ્થામાં હતો.તેનો ઇતિહાસ જાણી ક્લિનિકલી ધનુરનું નિદાન કરી,તેને લાઈટ કે અવાજ ન હોય તેવા અલાયદા ICU માં તાત્કાલિક રાખી સારવાર શરૂ કરી.
ડો. ના કહ્યા પ્રમાણે દર્દીને ડાબા પગમાં લોખંડ વાગ્યું હતું,જેથી ધનુર થયો અને જડબું જકડાઈ ગયું હતું.જ્યારે ધનુરનો એટેક આવે ત્યારે પ્રથમ જડબું જકડાય અને પછી સમગ્ર શરીરના સ્નાયુ ક્રમશ: જકડાઈ જાય તથા ચેતાતંત્રને અસર કરે છે.શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.આવી અસાધારણ સ્થિતિમાં દર્દીને સંભવિત ખેંચના જોખમમાંથી કાઢવા માટે સ્નાયુને હળવા કરવા જરૂરી હોવાથી ગર્દનમાર્ગે શ્વાસનળીમાં છેદ કરી વાયુમાર્ગ એટલેકે ટ્રેકીયોસ્ટોમી કર્યું, જેથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે.
દર્દીના મસલ્સ હળવા ન થાય ત્યાં સુધી બેભાન રાખવો જરૂરી હોતાં ભારે ઇન્જેક્શન આપ્યા અને છેવટે દર્દી સુપેરે શ્વાસ લેતું થયું અને સ્નાયુ હળવા થયા પછી જ ICU માંથી બહાર લાવી રાજા આપી.આ સારવારમાંડો. ડો જય ગોર,ડો.નીલમ રેસિ.ડો.હેનિલ પટેલ,ડો.દર્શિત કનેરિયા,ડો. નિકી પટેલ, ICU અને સ્ટાફ મદદરૂપ મદદમાં રહ્યા.
