અમેરિકાના ટેરિફ અંગે ભારતને ચીનનો મજબૂત ટેકો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરએ વિશ્વના સમીકરણ બદલી નાખ્યા છે. અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર મોટાપાયે  ટેરિફ લાદ્યો છે. જેના પર ચીને ભારતને સમર્થન આપતાં અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. 

ભારતમાં ચીનના રાજદૂત શૂ  ફેહોંગે અમેરિકાને ગુંડાગીરી કરનારો દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા લાંબા સમયથી મુક્ત વેપારનો લાભ લઈ રહ્યું હતું. પરંતુ હવે તે આ ટેરિફનો બાર્ગેનિંગ ચીપ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકા તેની સામે મૌન રહેનારાઓને વધુ ધમકાવે છે. હેરાન કરે છે. અમેરિકાએ ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે. ભારત પર મસમોટા ટેરિફ પર મૌન રહેવાથી માત્ર ગુંડાગીરી કરનારાઓ તાકાતવર બનશે. ચીન ભારત સાથે અડીખમ ઉભુ છે. 

અમેરિકાએ ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. બાદમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ વધારાનો 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આમ, અમેરિકાએ રશિયા સાથે ક્રૂડ સહિતના વેપાર સંબંધો બંધ કરવા દબાણ કરતાં ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકાએ જે કારણ આપી ભારત વિરૂદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે. તેમાં રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ તો ચીન ખરીદે છે. અન્ય યુરોપિયન દેશો પણ તેની સાથે વ્યવહાર કરે છે. પરંતુ તેમના પર કોઈ ટેરિફ કે પેનલ્ટી લાદી નથી. જેથી ટ્રમ્પના ભારત પર આ ટેરિફ વલણની ચારેકોર નિંદા થઈ રહી છે.

ભારતના સામાન માટે ચીનનુ બજાર મોકળું કરવા મુદ્દે ફેહોંગે જણાવ્યું કે, બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધુ મજબૂત બન્યા છે. ચીનના બજારમાં વધુને વધુ ભારતીય સામાનનું સ્વાગત છે. ભારત આઈટી, સોફ્ટવેર, બાયોમેડિસિન સેક્ટરમાં ચીનનું હરીફ છે. જ્યારે ચીન ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યૂ એનર્જી ક્ષેત્રમાં વિસ્તરણ કરી રહ્યું છે.  બંને દેશો આ જુદા-જુદા ક્ષેત્રોમાં એકબીજાને સમર્થન પૂરુ પાડશે.  અમે ઈચ્છીએ છીએ કે, ભારત ચીનમાં વધુને વધુ રોકાણ કરે. તેમજ ચીનના કારોબારીઓને પણ ભારતમાં રોકાણ કરવા સારી તક મળે. 

Leave a comment