મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી

દેશના ટોચના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ છે. શુક્રવારે તેમની તબિયત બગડતાં તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. અહીં ડોક્ટરોની ટીમ તેમની વિશેષ સંભાળ લઈ રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આ મામલે હજી સુધી હોસ્પિટલ કે અંબાણી પરિવારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ડોક્ટરે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, 91 વર્ષીય કોકિલાબેનને શારીરિક નબળાઈ આવતાં તેમને હોસ્પિટલ લવાયા હતાં. હાલ તેમની સારવાર ચાલુ છે. તેમના જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરપોર્ટ પર નાનો દિકરો અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી ભાવુક દેખાયા હતાં. તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતાં. 

કોકિલાબેન અંબાણી દેશના સૌથી ધનિક પરિવારના વરિષ્ઠ સભ્ય છે. તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના 1.57 કરોડથી વધુ શેર છે. જેની કિંમત આશરે રૂ. 18000 કરોડ આંકવામાં આવી છે. તેમણે 1955માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતાં. તેમના ચાર બાળકો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ છે. 

Leave a comment