રાપર-દુધઇ-ભુજ રૂટ પર નવી મિની મેટ્રો બસ શરૂ

રાપર એસટી ડેપોમાં આજે નવી મિની મેટ્રો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાપરથી દુધઇ થઈને ભુજ સુધીના રૂટ પર બપોરે દોઢ વાગ્યે દોડતી આ બસ સેવામાં હવે નવું વાહન ઉમેરાયું છે. રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ ભીંડે અને ડેપો મેનેજર જે.બી.જોશીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રાપર એસટી ડેપોએ કચ્છ ડિવિઝન લેવલે સૌથી વધુ માઈલેજ મેળવ્યું છે. ડીઝલ કેએમપીએલ (કિમી પ્રતિ લીટર)માં 5.49નો આંક હાંસલ કરવા બદલ એસટી નિગમે પ્રશંસાપત્ર આપ્યું છે.

ડેપો મેનેજર જોશીના જણાવ્યા અનુસાર, રાપર ડેપો માસિક 1.10થી 1.20 કરોડની આવક સાથે ગુજરાતના ટોપ પાંચ ડેપોમાં સ્થાન ધરાવે છે. તાજેતરમાં 17 જેટલા ડ્રાઈવર-કંડક્ટર છूટા થયા હોવા છતાં, બાકીના સ્ટાફે ડબલ ડ્યુટી કરીને સેવા જાળવી રાખી હતી. હવે 27 નવા કર્મચારીઓની ભરતી થતાં સેવા રાબેતા મુજબ થઈ ગઈ છે. વિભાગે નવી બસો ફાળવતા અંજાર, ગાંધીધામ, માતાના મઢ અને રોડ ટુ હેવન થઈને ભુજ સુધીના નવા રૂટ શરૂ કર્યા છે. મિકેનિક સ્ટાફની અછત છતાં, તમામ કર્મચારીઓના સહયોગથી ડેપોની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.

Leave a comment