~ એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય મેડિ. કાઉ.સાથેની બેઠકમાં કોલેજના વડાનો નિર્દેશ
~ રેગિંગની કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રેગિંગ સ્ક્વોડ અને કમિટીનું ગઠન
અદાણી મેડિકલ કોલેજ ભુજ દ્વારા રાષ્ટ્રીય ચિકિત્સા આયોગે (નેશનલ મેડિકલ કાઉન્સિલ) રેગિંગ નાબૂદી માટે સૂચવેલા તમામ દિશા નિર્દેશનો ચુસ્ત રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા નિર્ણય કરાયો છે.
મેડિકલ કોલેજના ડીન ડો.એ.એન.ઘોષ અને આસિ.ડીન ડો. અજિત ખીલનાનીએ જણાવ્યું હતું કે ,ભારતમાં ૧૨ ઓગસ્ટ થી ૧૮ ઓગસ્ટ સુધી એન્ટી રેગિંગ સપ્તાહની નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગ રૂપે નેસ. મેડિ.કાઉન્સીલે બોલાવેલી ઓનલાઇન બેઠકમાં ભારતની તમામ મેડિકલ કોલેજ સાથે અદાણી કોલેજ પણ જોડાઈ હતી અને રેગિંગના તમામ સ્વરૂપના નાગચૂડને નાથવા સંકલ્પ કર્યો હતો.
ઉપરાંત અદાણી મેડિ.કોલેજે રેગિંગને કાયદા માર્ગે પ્રતિબંધિત કરવા નેશનલ મેડિકલ કાઉન્સિલના માર્ગદર્શન મુજબ ૧૭ સભ્યોની એક કમિટીની રચના પણ કરવામાં આવી છે, જેના ચેરમેન તરીકે અદાણી કોલેજના ડીન રહેશે.આસિ.ડીન સચિન પાટીલ વિધાર્થી કાઉન્સિલ બાબતના પ્રતિનિધિ સાથે ચીફ વોર્ડન,વોર્ડન,ફેકલ્ટી મેમ્બર્સ,બી ડિવિઝન સિટી પો.સ્ટેશનના પી.આઈ.,એન.જી.ઓ.,મીડિયાના પ્રતિનિધિ વિગેરેનો સમાવેશ થાય છે.ઉપરાંત એક હેલ્પલાઇન નંબર પણ જારી કરાયો છે.
ગેઈમ્સમાં તાકીદની કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રેગિંગ સ્ક્વોડનું પણ ગઠન કરાયું છે.આગોતરા પગલાંરૂપે કોલેજમાં નવા પ્રવેશ લેનાર વિધાર્થીઓ માટે બોયઝ અને ગર્લ્સની અલગ હોસ્ટેલ હોય તે રીતે આયોજન કર્યું છે.ઉપરાંત જાગૃતિ માટે કોલેજમાં નિબંધ,પોસ્ટર,સ્લોગન લેખન,રીલ અને વીડિયો તેમજ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ હતી.સાથે કોલેજમાં નવા આવનાર મેડિકલ સ્ટુડન્ટસ માટે કોઈપણ એવી વર્તણૂંક પછી તે બોલાયેલા શબ્દો દ્વારા હોય કે વર્તનથી હોય જે હેરાન કરવા કે ચીડવવા માટે થાય તે કોઈપણ સંજોગોમાં ન સર્જાય તે સુનિશ્ચિત કરવા સંસ્થા કટિબધ્ધ છે.
એટલું જ નહીં, ગેઈમ્સમાં કાર્યરત ઘરાના મેન્ટોર શીપ હાઉસ સિસ્ટમમાં નિશ્ચિત ઘરનામાં વિવિધ વર્ષના વિદ્યાર્થીઓ સામેલ હોવાથી આ પદ્ધતિ વિધાર્થીઓ વચ્ચે પરસ્પર સામંજસ્ય અને મિત્રભાવ કેળવવામાં તથા રેગિંગને નાથવા કારગર સાબિત થઈ રહી છે.
