રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય; માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 18થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડ, સુરત, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ અપાયું છે.

હવામાનની આગાહી પ્રમાણે, ગતરોજ (17 ઓગસ્ટ) ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જુનાગઢ, સુરત, બનાસકાંઠા, ડાંગ, તાપી સહિતાના જિલ્લાઓમાં 1 ઈંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. માંગરોળ તાલુકાના શીલ ગામે માલધારી સમાજના છોકરાઓ સાથે ભેંસો લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નેત્રાવતી નદી પરના ગંગાઈ પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જતાં 12 વર્ષીય પ્રેમ બાબુભાઈ કોડીયાતર તણાઈ જતાં મોત નીપજ્યું હતું.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ફરીથી સક્રિય થતાં છેલ્લા બે દિવસથી સતત ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે. સોમવારે પણ દિવસભર કાળાં ડિબાંગ વાદળો છવાયેલાં રહ્યાં હતાં. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સુરતમાં 23 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 19 અને 20 ઓગસ્ટ માટે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, નવસારી, વલસાડ અને દમણ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે ભારેથી અતિભારે વરસાદનો સંકેત આપે છે. આ વરસાદી માહોલને કારણે સુરત શહેરમાં હિલ સ્ટેશન જેવો સુંદર માહોલ સર્જાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

Leave a comment