એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી એક વાર ચેતવણી મળી

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી જેવા કારણોસર સતત ચર્ચામાં રહેલ એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી એક વાર ચેતવણી મળી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એર ઈન્ડિયાને તેની બેંગલુરુ-બ્રિટન ફ્લાઈટ્સને સમય મર્યાદાથી વધુ હવામાં રાખવા બદલ ચેતવણી આપી હતી, કારણ કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સે નિર્ધારિત ઉડાન મર્યાદા 10 કલાક પાર કરી લીધી હતી.

એર ઈન્ડિયાએ DGCA તરફથી ચેતવણી મળ્યાની પુષ્ટિ કરી છે. એરલાઈને જણાવ્યું કે, મે મહિનામાં રિપોર્ટ કરવામાં આવેલી બે ફ્લાઈટ્સના કારણે આ પત્ર જારી કરવામાં આવ્યો હતો. એરલાઈન્સ તરફથી સરહદી હવાઈ ક્ષેત્ર બંધ થવાની અસરને ઘટાડવા માટે આ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેનું ખોટું અર્થઘટન થવાને કારણે સમસ્યા ઊભી થઈ. જોકે, યોગ્ય અર્થઘટન આપવામાં આવતાં તેને તાત્કાલિક સુધારી લેવામાં આવી હતી.

નોંધનીય છે કે, DGCAએ 11 ઓગષ્ટના રોજ જારી કરેલા એક પત્રમાં કહ્યું હતું કે, ’20 જૂને એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસમાં એરલાઈનને 16 અને 17 મેના રોજ ફ્લાઈટ AI-133ની સ્થળ પર કરવામાં આવેલી તપાસમાં મળેલી ખામીઓનો જવાબ આપવા જણાવ્યું હતું.’

DGCAના પત્ર પ્રમાણે તપાસ દરમિયાન એ નોટિસ કરવામાં આવ્યું કે, એરલાઈન સીએઆરમાં જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં પણ અસમર્થ રહી છે. 

DGCAના પત્ર પ્રમાણે એરલાઈનને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, બાદમાં જ્યારે એરલાઈને પાછળથી તેનો જવાબ આપ્યો, ત્યારે DGCAએ તેનો અસ્વીકાર કર્યો. ત્યારબાદ ડિરેક્ટોરેટ જનરલે એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સનને ચેતવણી પણ આપી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘કારણ બતાવો નોટિસના જવાબમાં એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા જવાબની યોગ્ય તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ એ તારણ પર પહોંચ્યા છે કે જવાબ સંતોષકારક નથી. તેથી, એર ઈન્ડિયાના જવાબદાર મેનેજરને લાગુ નાગરિક ઉડ્ડયન નિયમોનું કડક પાલન કરવાની ચેતવણી અને સલાહ આપવામાં આવે છે.’

તમને જણાવી દઈએ કે, નિયમો પ્રમાણે એક પાયલટને મહત્તમ 8 કલાક જ ઉડાન ભરવાની મંજૂરી છે. જો બે પાયલટ એક સાથે હોય તો આ સમય મર્યાદા 10 કલાક સુધી પહોંચી જાય છે. ત્યારબાદ પાયલટને બીજી ઉડાન ભરવા પહેલા 16 કલાકનો આરામ ફરજિયાત છે. 

Leave a comment